રાજકોટ, શાપર વેરાવળ, વલસાડ, લીંબડી સહિત વિસ્તારોમાં વરસાદ
ગુજરાતમાં હજુ ભારે વરસાદની સીસ્ટમનો અભાવ રાજ સમઢીયાળા,રાણપુર પંથકમાં ઝાપટાં,રાજ્યમાં 40થી 60 KMની ઝડપે ફૂંકાતા તીવ્ર પવનની સાથે વાદળોની આવ-જા
રાજકોટ, : નૈઋત્યનું ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ કરીને મંદ પડયું છે અને હજુ તે છત્તીસગઢ,ઓડીશા,આંધ્રપ્રદેશમાં આગળ વધવાના સંજોગો છે પરંતુ, ગુજરાતના દરિયાકાંઠામાં હજુ સાનુકૂળ પવન કે સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી કોઈ મજબૂત સીસ્ટમના તેમજ ઘટાટોપ વાદળોના અભાવે લોકોએ હાલ છૂટાછવાયા ઝાપટાંથી સંતોષ માનવો પડે તેમ છે. આજે રાજકોટ, શાપર વેરાવળ,વલસાડ, લીંબડી સહિત વિસ્તારોમાં હળવા-ભારે વરસાદી ઝાપટાં વરસ્યા હતા.
રાજકોટમાં જંક્શન પ્લોટ,સિંધી કોલોની વિસ્તાર તેમજ જામનગર રોડ ઘંટેશ્વરસહિત વિસ્તારોમાં વરસાદનું ધોધમાર ઝાપટું વરસી ગયું હતું પરંતુ, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ સહિતના મોટાભાગના વિસ્તારો કોરાં રહ્યા હતા. જ્યારે રાજકોટ-ભાવનગર રોડ પર રાજ સમઢીયાળા પાસે ધોધમાર વરસાદના અહેવાલો છે. બોટાદના રાણપુરમાં પણ વરસાદી ઝાપટું વરસ્યું હતું.
સૌથી વધારે વરસાદ વલસાડમાં 16 મિ.મિ.અને લીંબડીમાં 6 મિ.મિ. આજે રાત્રિ સુધીમાં નોંધાયો છે જ્યારે કપરાડા, વાપી, બારડોલી સહિત પથકમાં ઝાપટાં વરસ્યા હતા.
મૌસમ વિભાગ અનુસાર સુરત, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં અને અમરેલી, ભાવનગર સહિત સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી અપાઈ છે.
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદના અભાવે તાપમાનનો પારો ઉંચો રહ્યો છે. આજે સૌથી વધુ તાપમાન 41.9 સે. વલ્લભ વિદ્યાનગરમાં જ્યારે 41.5 સે. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું જ્યારે ગાંધીનગર, રાજકોટમાં પણ તાપમાન 41 સે.ને પાર રહ્યું હતું. અમરેલીમાં 40.4 અને સમગ્ર કચ્છ સહિત બાકીના સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં પારો 40 સે. નીચે રહ્યો હતો.
ગુજરાતમાં હાલ પવનની ગતિ અનેક સ્થળોએ 40થી 50 KM સુધીની તીવ્ર રહે છે, ગત ચોવીસ કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 52 કિ.મી.ની ઝડપ, કચ્છમાં 50અને જામનગર, બોટાદમાં 44 કિ.મી.પવન નોંધાયો હતો. રાજકોટમાં સરેરાશ 18 KM અને મહત્તમ 30 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે જેના પગલે વાદળો બંધાતા નથી અને હાલ છૂટાછવાયા વાદળો આવે છે ક્યાંક વરસે છે અને વિખેરાઈ જાય છે.