ગુજરાતમાં ભારે વરસાદને પગલે બસ સેવા પણ ઠપ, 1000થી વધુ રૂટ બંધ, 4500 ટ્રીપ રદ કરાઈ

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
Gujarat heavy Rain


Gujarat ST Bus Service: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદના કારણે જનજીવન ઠપ છે. સમગ્ર રાજ્યમાં પરિવહન સેવા ખોરવાઈ ગઈ છે. સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યની એસ.ટી. બસ સર્વિસના એક હજારથી વધુ રૂટ બંધ છે. આ ઉપરાંત ચાર હજારથી વધુ ટ્રીપ રદ કરાઈ છે.  અનેક વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા હોવાથી  રેલવે દ્વારા ટ્રેનોના રૂટ પણ બદલવામાં આવ્યા છે અને ઘણી ટ્રેન રદ કરાઈ છે. આ સિવાય 50થી વધુ ફ્લાઇટ મોડી પડી હોવાના અહેવાલ છે. 

આ પણ વાંચોઃ વડોદરામાં પૂરને કારણે અનેક ટ્રેનો કેન્સલ, 50થી વધુ ફ્લાઈટ મોડી પડી, જાણો લેટેસ્ટ અપડેટ

એસટી નિગમને 1.08 કરોડનું નુકસાન

રાજ્યમાં ઘણી જગ્યાએ પાણી ઓસર્યા ન હોવાથી 1180 બસ રૂટ બંધ કરી દેવાયા છે. આ કારણસર 4531 ટ્રીપ રદ કરવી પડી છે. ભારે વરસાદના કારણે વડોદરા, પાદરા, ખેડા ડેપોનું કામકાજ આજે બંધ છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના રૂટ પર પણ અસર થઈ છે. બસ સેવાઓ ખોરવાઈ જતાં એસટી નિગમને અંદાજે રૂ. 1.08 કરોડનું નુકસાન થશે. બંગાળની ખાડીમાં એર સર્ક્યુલેશનની સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. હજી 24 કલાક ભારે વરસાદની આગાહી છે.


ભારે વરસાદનું જોખમ ગુજરાતમાંથી સીધું પાકિસ્તાન

હવામાન વિભાગ (IMD)ના રિપોર્ટ અનુસાર, છેલ્લા છ કલાકથી 10 કિમી પ્રતિ કલાકની ઝડપે એર સર્ક્યુલેશન સાથે સર્જાયેલી સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધી રહી છે. આજે સવારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હતી. જે હવે ગુજરાતના નલિયામાંથી લગભગ 120 કિ.મી. પૂર્વ-ઉત્તર પૂર્વમાં અને પાકિસ્તાનના કરાંચીથી અંદાજે 320 કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વ તરફ સ્થિત છે. તે અતિ ઝડપે આ દિશામાં આગળ વધી રહી છે. જેથી 29 ઑગસ્ટની સવાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના તટો પરથી આ સિસ્ટમનું જોખમ પાકિસ્તાન તરફ જશે. આજ સાંજ સુધી ગુજરાતમાં તેની અસર વર્તાશે, બાદમાં વરસાદનું જોર ઘટશે. 

ગુજરાતમાં ભારે વરસાદને પગલે બસ સેવા પણ ઠપ, 1000થી વધુ રૂટ બંધ, 4500 ટ્રીપ રદ કરાઈ 2 - image


Google NewsGoogle News