ગુજરાતના અનેક પંથકમાં ફરી કડાકા-ભડાકા સાથે વરસાદ, વીજળી પડતા ચારના મોત, નખત્રાણામાં દોઢ ઇંચ ખાબક્યો
Rain in Gujarat : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે (15 મે) કચ્છ, અંબાજી, ડાંગ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, દ્વારકા, અમરેલી, પોરબંદર, ભરૂચ અને અંબાજી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. તો સતત વરસતા કમોસમી વરસાદના પગલે ખેતીના પાકને નુકસાન થયું છે. જ્યારે વીજળી પડવાથી પોરબંદરમાં બે લોકો અને સુરેન્દ્રનગરમાં બે લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. બીજી તરફ, રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આવતીકાલે પણ છુટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે.
પોરબંદરમાં વીજળી પડતા બેના મોત : પોરબંદરના બરડા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. જેમાં પોરબંદરના સીસલી અને સોઢાણા ગામે વીજ પડવાથી બે વ્યક્તિઓના મોત થયા છે. જેમાં સોઢાણા ગામે વાડી વિસ્તારમાં વીજળી પડતા જીવાભાઇ ગીગાભાઈ કારાવદરા (ઉ.વ.60) અને વડાળાના બાલુભાઇ કારાભાઈ ઓડેદરાનું પણ ઘટનાસ્થળે મોત થયું.
કચ્છના નખત્રાણામાં ગાજવીજ સાથે વરસાદ : કચ્છમાં સતત ત્રીજા દિવસે વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. કચ્છના નખત્રાણા, અબડાસા, ભચાઉ, સાંગનારા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. તો નખત્રાણામાં કરા સાથે દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે નખત્રાણામાં ઠેરઠેર પાણી ભરાયા હતા. નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.
ડાંગમાં ભારે વરસાદ, પાકોને મોટાપાયે નુકસાન : ડાંગના અનેક વિસ્તારોમાં સતત ચોથા દિવસે ભારે વરસાદ પડ્યો છે. ડાંગના આહવા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. ડાંગ જિલ્લામાં સતત વરસાદ વરસતા ફળ-ફળાદી પાકોને વ્યાપક નુકસાન થયું છે. ઉનાળુ પાક જેવા કે મગફળી, ડુંગળી અને મગના પાક નુકસાની થવાની ભીતિ સર્જાઈ છે. કેરીના પાકને પણ નુકસાન થયું છે.
વલસાડના ધરમપુરમાં ભારે પવન સાથે વરસાદ : વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે વલસાડના ધરમપુરના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આ વિસ્તારોમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા.
સુરેન્દ્રનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, વીજળી પડતા બે લોકોના મોત : સુરેન્દ્રનગર જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર અને વઢવાણના શહેરી વિસ્તારમાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. વઢવાણના રામપરા, ટીંબા, વાઘેલા, માળો સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ઉપરાંત ચોટીલાના મોલડી આસપાસના વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. તો સુરેન્દ્રનગરના ચોટીલાના મોકાસર ગામે વીજળી પડતા 18 વર્ષીય યુવતી અને ખાટડી ગામે આધેડનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત ખેરાણા ગામમાં વીજળી પડતા બે બળદના મોત નિપજ્યા હતા. બીજી તરફ, કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે બાગાયતી પાકને મોટુ નુકસાન થયું છે અને લીંબુનો પાક ખરી પડ્યો છે.
અમરેલીમાં વરસાદ પડતા ખેડૂતોનો પાક બરબાદ : અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. અમરેલીના બાબરા પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો છે. બાબરા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા કેટલાક વૃક્ષો અને દીવાાલ ધરાશાયી થયા હતા. વડેરા, સૂર્યપ્રતા ગઢ, દેવલી, બાંટવા, સનાળા, ભંડારીયા અને મોટી કુંકાવાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈને નાના ભંડારીયાની નદી બે કાંઠે વહેતી થઈ હતી. ભર ઉનાળામાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોની ચિંતા વધી છે. અમરેલી જિલ્લામાં કમોસમી થયેલ વરસાદના કારણે પાકને નુકસાન થયું છે. આ નુકસાનનું વળતર ચૂકવવા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત પણ કરાઈ છે.
રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. લોધિકા અને આસપસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. બીજી તરફ કાળઝાળ ગરમીના પ્રકોપ અને કમોસમી વરસાદને લઈને RMCએ લોકોને જરૂર સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.
દ્વારકા જિલ્લામાં પણ વરસાદનું આગમન : હવામાન ખાતાની આગાહી અનુસાર, દ્વારકા જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે. ભાણવડ અને ખંભાળિયામાં વરસાદ પડ્યો છે. ભાણવડ તાલુકાના રોજળા, હાથલા, ગળુ, રાણપર અને ભાણવડ શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે.
જૂનાગઢમાં હળવો વરસાદ : જૂનાગઢ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ પડ્યો હતો. ભારે ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને ઠંડકનો અનુભવ થયો છે. જૂનાગઢ અને ગીરમાં હાલ કેરીનો મોટાભાગનો પાક તૈયાર થઈ ચૂક્યો છે. આ વચ્ચે પવન સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ભારે ચિંતામાં મૂકાયા છે.
અંબાજીમાં ગાજવીજ સાથે વરસાદ : બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે.
રાજ્યના 18 જિલ્લામાં વરસાદની આગાહી
રાજ્યના 18 જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. તાપી, નર્મદા, ડાંગ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, મહેસાણા, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં હજુ વરસાદ પડવાની આગાહી છે.
આકાશી વીજળી દરમિયાન રાખવાની સાવચેતી. pic.twitter.com/UUCmEhGVGX
— Collector Patan (@CollectorPatan) May 13, 2024