વરસાદે ગુજરાતને ધમરોળ્યું, 250થી વધુ રોડ-રસ્તા બંધ, વાહન વ્યવહાર ઠપ થતાં જનજીવન અસ્ત વ્યસ્ત
Rain Effects In Gujarat: ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં લગભગ શુક્રવારથી પડી રહેલા વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. જેના લીધે કેટલાય રસ્તો પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ થયા છે. બીજી તરફ, ભુવા અને ખાડા પડતાં વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
વલસાડમાં સૌથી વધુ અસર
અતિ ભારે વરસાદના કારણે રાજ્યમાં અંદાજે 288 માર્ગ વ્યવહાર ખોટવાયા છે. જેમાં સૌથી વધુ વલસાડમાં 128 રસ્તા પાણી ભરાઈ જતાં બંધ કરવામાં આવ્યા છે. નવસારીમાં 34, સુરતમાં 25 અને તાપીમાં 41 રસ્તા પર પરિવહન સેવાઓ થંભી ગઈ છે. ડાંગમાં 16 અને નર્મદામાં આઠ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જ્યારે છોટા ઉદેપુરમાં 11, પોરબંદરમાં 6 રસ્તા સહિત ગુજરાતમાં 7 સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર અટકી ગયો છે.
ગુજરાત સહિત 9 રાજ્યોમાં રેડ એલર્ટ
હવામાન વિભાગે આજે પણ તેની આગાહીમાં ગુજરાત સહિત 9 રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. જ્યારે અન્ય 4 રાજ્યોમાં વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને ઠેર ઠેર પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
26 ઓગસ્ટે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ, ગોવા અને કર્ણાટક માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.