ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ: નર્મદા ડેમને લઈને મહત્ત્વના સમાચાર, હાઇ ઍલર્ટ જાહેર
Rain in Gujarat High Alert Declared : રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા બે દિવસમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. વરસી રહેલા આ સાર્વત્રિક વરસાદના ભાગરૂપે 76 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા જ્યારે 46 જળાશયો-ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાતાં હાઇ ઍલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 23 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાતાં ઍલર્ટ અપાયું છે. જ્યારે 30 ડેમ 25થી 50 ટકા વચ્ચે તેમજ 31 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે.
નર્મદા ડેમમાં 87 ટકા જળસંગ્રહ
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,90,547 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 87 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,07,440 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 72.73 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ કુલ 207 જળાશયોમાં 78 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં જળપ્રલય! 28 જિલ્લામાં રેડ ઍલર્ટ, તો 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ, ડેમ છલકાયા
જાણો રાજ્યના ડેમોમાં પાણીની આવક-જાવક
આજે સવારે 8.00 કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં 3.38 લાખ ક્યુસેક પાણીની આવક સામે 3.85 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે વણાકબોરી જળાશયમાં 2.87 લાખ ક્યુસેક પાણીની આવક સામે 2.87 લાખની જાવક, ઉકાઈમાં 2.47 લાખ ક્યુસેક પાણીની આવક સામે 2.46 લાખની જાવક, આજી-4માં 1.63 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.63 લાખની જાવક, કડાણામાં 1.50 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.25 લાખની જાવક તેમજ ઉંડ-1માં 1.19 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.19 લાખ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. આ સિવાય વિવિધ 94 જળાશયોમાં 70 હજાર ક્યુસેકથી 1,000 હજાર ક્યુસેક સુધીની પાણીની આવક થઈ રહી છે.
આ પણ વાંચો: 12 ઇંચ વરસાદથી વડોદરા જળબંબાકાર, વિશ્વામિત્રીમાં પૂર આવતાં અડધું શહેર પાણીમાં, અઢી લાખ ઘરોમાં અંધારપટ
રાજ્યના જળાશયોની સ્થિતિ
આ ઉપરાંત મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 87 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 78 ટકા, સૌરાષ્ટ્રના 141માં 66 ટકા, કચ્છના 20 જળાશયોમાં 61 ટકા જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 39 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. આમ સરદાર સરોવર સાથે 207 જળાશયોમાં અત્યાર સુધીમાં 78 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયો છે. ગત વર્ષે આ સમયે આ 207 જળાશયોમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો.