16થી 20 મે દરમ્યાન કૃતિકા નક્ષત્રમાં વરસાદના યોગ
ચૈત્રી દનૈયા સારા થયા હોવાથી વર્ષ સારૂ રહેવાનું અનુમાન : અખાત્રીજના વહેલી સવારે 96 મિનીટ સુધી પવનની દિશાના આધારે આગામી વર્ષના વરસાદનો વરતારો થશે
જૂનાગઢ, : ખગોળ વિદ્યા અને ભડલી વાક્યોના આધારે 16થી 20 મે દરમ્યાન કૃતિકા નક્ષત્રમાં વરસાદના યોગ છે. ચૈત્રી દનૈયા સારા થયા હોવાથી વર્ષ સારૂ રહેવાનું અનુમાન છે. આગામી તા. 30ના અખાત્રીજ છે. આ દિવસે વહેલી સવારે 96 મિનીટ સુધી પવનની દિશાના આધારે ચોમાસાનો વરતારો કરવામાં આવશે હોળીની જ્વાળા, અખાત્રીજના પવન, ચૈત્રી દનૈયા, વનસ્પતિની ચેષ્ટા સહિતના આધારે આગામી વર્ષ કેવું રહેશે તેનું અનુમાન કરવામાં આવે છે. આ વર્ષે ચૈત્રી દનૈયા સારા થયા હોવાથી વર્ષ સારૂ થવાનું અનુમાન છે. 16 મેથી 20 મે દરમ્યાન કૃતિકા નક્ષત્રમાં વરસાદના યોગ છે. 1 મેથી 4 મે દરમ્યાન હવામાનમાં પલ્ટો, ગરમીનું પ્રમાણ વધુ અને માવઠું થવાનું અનુમાન છે. 29 મેથી 1 જુન દરમ્યાન રોહિણી નક્ષત્રમાં વધુ ગરમી અને પવન સાથે વરસાદ જ્યારે 1 જુનના કેરળમાં ચોમાસાનું આગમન, તા. 6 જુનથી 8 જુન દરમ્યાન અમરેલી, ભાવનગર વિસ્તારમાં વરસાદના યોગ છે અને પવનનું પ્રમાણ વધારે રહેવાનું અનુમાન છે.
વંથલી વર્ષા વિજ્ઞાન મંડળએ જણાવ્યું હતું કે, તા. 30ના અખાત્રીજ છે, અખાત્રીજના પવન જોવા માટે પધ્ધતિ છે, વૈશાખ સુદ બિજની રાત્રે ૪ઃ૩પ મિનીટથી ૬ઃ૧૧ મિનીટ સુધી ૯૬ મિનીટ સુધી પવનની દિશાના આધારે પણ આગામી વર્ષનું અનુમાન કરવામાં આવશે. અખાત્રીજ અતિ પવિત્ર અને શુભ દિવસ માનવામાં આવે છે. તે દિવસના પવનની દિશા પરથી આગામી વર્ષનું અનુમાન થઈ શકશે. જેમાં સૂર્યાસ્ત સમયે વાદળ થાય તો સારો વરસાદ થાય, રોગ વધે, નૈઋત્યમાં વાદળ થાય તો જુવાર ઘણી પાકે, વાયવ્યમાં વાદળ થાય તો બાજરો વધારે થાય, સૂર્યાસ્ત સમયે પશ્ચિમ સમયે વાદળા જણાય તો સર્વ ધાન્ય સારા પ્રમાણમાં થાય.
પવનની દિશા પધ્ધતિના આધારે વરસાદના એંધાણ
જો ઉત્તર પવન વાય તો ઉત્તમ વર્ષ થાય, વાયવ્ય પવન વાય તો સારા વરસાદના એંધાણ, પશ્ચિમ પવન વાય વનરાઈઓ ખીલી ઉઠે તેટલો વરસાદ થાય, નૈઋત્ય પવન વાય તો દુષ્કાળ પડે, દક્ષીણ પવન વાય તો કુવા-તળાવ સુકાઈ, અગ્નિ પવન વાય તો અનાજના કણ ન થાય, પૂર્વ પવન વાય તો અનાજ-ઘાસનો અભાવ, પશુ જાનહાની થાય, રોગ ફેલાય, ઈશાન પવન વાય તો યુધ્ધમાં સંડોવાય, તીડ, ઉંદર, જંતુ થકી પાકનો નાશ થાય.