રેલવે બોર્ડની સત્તાવાર મંજૂરી : ભાવનગરથી હરિદ્વાર ટ્રેન અઠવાડિયામાં 2 દિવસ દોડાવાશે
- મુસાફરોની સુવિધા અને રેલવેને આવકમાં વધારો થશે
- રેલવે બોર્ડની લીલીઝંડી : ભાવનગરથી હરિદ્વાર ટ્રેન સપ્તાહમાં બે દિવસ દોડશે, ગુરૂવારની ટ્રેનનું હજુ ટાઈમટેબલ ગોઠવવાનું બાકી, ટૂંક સમયમાં જ વિગતવાર માહિતી ઉપલબ્ધ કરાશે
અગાઉ જે ટ્રેન શરૂ કરવાની નોંધ લેવામાં આવતી ન હતી. તે ભાવનગર-હરિદ્વાર ટ્રેન છેલ્લા સવા વર્ષથી રેલવેનો કમાઉ દિકરો બની ગઈ છે. સોમવારે ઉપડતી સાપ્તાહિક ટ્રેન મોટાભાગે હાઉસફૂલ જ જતી હોવાથી ટ્રાફિકને જોતા સપ્તાહમાં એકના બદલે બે દિવસ ટ્રેન શરૂ કરવાની જરૂરિયાત ઉભી થતાં રેલવેના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત પણ થઈ હતી. જેથી રેલવે બોર્ડે યાત્રિકોની સુવિધામાં વધારો કરવાના હેતુથી ભાવનગર-હરિદ્વાર-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન (૧૯૨૭૧/૧૯૨૭૨)ને અઠવાડિયામાં સોમવાર અને ગુરૂવાર એમ બે દિવસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. જેનું ભાવનગર રેલવેના સિનિયર ડીસીએમ માશૂક અહમદે સત્તાવાર સમર્થન આપતા જણાવ્યું હતું કે, હરિદ્વાર ટ્રેનને સોમવાર ઉપરાંત ગુરૂવારે ચલાવવા માટે રેલવે બોર્ડે લીલીઝંડી આપી દીધી છે. અત્યાર સુધી ભાવનગરથી હરિદ્વાર જતી ટ્રેન દર સોમવારે રાત્રે ૮-૨૦ કલાકે ઉપડી બુધવારે ૩-૪૦ કલાકે હરિદ્રાર પહોંચે છે. પરત દિશામાં, આ ટ્રેન બુધવારે સવારે ૫ કલાકે હરિદ્રારથી ઉપડી અને ગુરૂવારે સવારે ૧૨-૨૫ કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચે છે. તેમજ ભાવનગર ડીઆરએમ રવીશકુમારે જણાવ્યું હતું કે, રેલવે બોર્ડની મંજૂરી મળતા ભાવનગર-હરિદ્વાર ટ્રેન ભાવનગર ટર્મિનસથી દર સોમવારે અને ગુરૂવારે તથા હરિદ્વારથી દર બુધવારે અને શનિવારે દોડશે. ગુરૂવારની ટ્રેનનો સમય, સ્ટોપેજ અંગેની વિગતવાર માહિતી ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ રેલવેના સત્તાવાર સાધનોએ ઉમેર્યું છે.