હાલોલમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનું ઉત્પાદન કરતી કંપનીઓ પર દરોડા
બે દિવસમાં રૃા.૧૧.૭૦ કરોડનો પ્રતિબંધિક પ્લાસ્ટિકનો ૬૫૦ ટન જથ્થો કબજે કરવામાં આવ્યો
હાલોલ તા.૨૧ હાલોલના ઔધોગિક વિસ્તારમાં આવેલી ૧૨૦ માઇક્રોનથી ઓછા માઇક્રોનવાળી પ્રતિબંધિત કેરીબેગ (સિંગલ યુઝ)નું ઉત્પાદન કરતી કંપનીઓમાં સોમવારથી શરૃ થયેલ કામગીરી આજે પણ ચાલુ રહી હતી.
જીઆઇડીસીમાં આવેલ વિનાયક એસ્ટેટ સાથરોટા ખાતે આવેલ પાંચ કંપનીઓમાં સોમવારે ચેકિંગની કામગીરી હાથ ધરાતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ૨૫૦ ટન જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. હાલોલ નગર પાલિકાના મુખ્ય અધિકારીની આગેવાનીમાં મામલતદાર, જીપીસીબી તેમજ પોલીસની ટીમે સંયુક્ત રીતે બીજા દિવસે પણ ચેકિંગની કામગીરી ચાલુ રાખી છે. તંત્રએ કબજે કરેલ પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાને હાલોલ પાલીકા ભવનની બાજુમાં આવેલ કોમ્યુનિટિ હોલ ખાતે એકત્રિત કર્યો હતો.
પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે બે દિવસની કામગીરીમાં રૃા.૧૧.૭૦ કરોડ કિંમતનો કુલ ૬૫૦ ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આજે દિવસમાં જે પાંચ કંપનીઓમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપાયો છે તે તમામ કંપનીઓને ક્લોઝર નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જીપીસીબીના અધિકારીએ જણાવ્યું હતું કે હાલ કંપનીઓમાં તપાસ ચાલું છે.