જામનગરમાં રખડતા ઢોરના ત્રાસ મામલે પશુપાલકોના ઘરે દરોડા
જલારામનગરમાં સાત પશુઓ કબજે લઈને કાર્યવાહી
સ્વૈચ્છાએ પશુઓને શહેરની બહાર મોકલી દેવા પાંચ દિવસની મુદત માંગતા મહાપાલિકા દ્વારા હાલ પૂરતી ઢોર પક્કડ કામગીરી મુલત્વી રાખવા નિર્ણય
જામનગર શહેરમાં અનેક માર્ગો પર રસ્તે રઝળતા ઢોરની સમસ્યા રાહદારીઓને સતાવી રહી છે. ઢોર અંગે બનાવેલી પોલીસી તેમજ કોર્ટના આદેશની અમલવારી કરવાના હેતુથી આજે નાયબ મ્યુનિસિપલ કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલાની રાહબરી હેઠળ મહાનગરપાલિકાની વિવિધ શાખાનો સ્ટાફ, સિકયુરીટી અને વિશાળ પોલીસ કાફલા સાથે આજે ઢોર માલિકોના ઘરે ત્રાટકયા હતા.
ખાસ કરીને જલારામનગર વિસ્તારમાં વિશેષા સંખ્યામાં ઢોર માલિકો રહેતા હોવાથી કાફલો ત્યાં પહોંચ્યો હતો અને તેઓના ઘર પાસેથી આશરે સાતેક જેટલા ઢોરને કબજે કરવામાં આવ્યા હતા. નાયબ મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા અનુસાર શહેરમાં રઝળતા ઢોરને કારણે અનેક વખત જાનહાની અને માનવહાની તેમજ વાહન ચાલકોને અકસ્માત થતા રહે છે. ઢોર માલિકોને લાયસન્સ પરમિટ મેળવી લેવા અનેક વખત સૂચના આપવામાં આવી, છતાં તેનું પાલન કરવામાં આવતું નથી. આથી આજે ઢોર જપ્તની કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
પરંતુ ઢોર માલિકોએ સ્વૈચ્છાએ શહેરની બહાર પોતાના ઢોરને મોકલી દેવાની તૈયારી દર્શાવી હતી. અને પાંચ દિવસની મુદતની માંગ કરી હતી. આથી મહાનગરપાલિકા દ્વારા હાલ પુરતી ઢોર માલિકોના ઘરેથી ઢોર પકડવાની કામગીરી પાંચ દિવસ માટે મુલતવી રાખી છે. જોકે શહેરમાં રસ્તે રઝળતા ઢોરને પકડવાની કામગીરી રાબેતા મુજબ જ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.