ધ્રાંગધ્રામાં 31 ડિસેમ્બર પહેલા એસએમસીના બે સ્થળ પર દરોડા
- બંને દરોડામાં દારૂ સહિત 3.76 લાખનો મુદ્દામાલ જપ્ત
- મોચીવાડમાંથી દારૂ સાથે 6 અને નર્મદા ક્વાટરમાંથી બે શખ્સ ઝડપાયા : 15 સામે ગુનો નોંધાયો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં ૩૧ ડીસેમ્બરની ઉજવણી થાય તે પહેલા જ પૂર્વરાત્રે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ (એસએમસી)એ ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં અલગ-અલગ બે જગ્યાએ રેઈડ કરી ઈંગ્લીશ દારૂ સહિતના મુદ્દામાલ સાથે ૮ શખ્સોને ઝડપી પાડયા હતા જ્યારે ૬ શખ્સો હાજર મળી ન આવતા ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
આ અંગે એસએમસી સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી તેમજ કટીંગના બનાવો વધી રહ્યાં છે તેમજ ૩૧ ડીસેમ્બરની ઉજવણીને ધ્યાને લઈ બુટલેગરો દ્વારા ઈંગ્લીશ દારૂનો સ્ટોક કરતા હોવાની ફરિયાદોને ધ્યાને લઈ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેઈડ કરી હતી જેમાં ધ્રાંગધ્રા શહેરના મોચીવાડ વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં રેઈડ કરી ઈંગ્લીશ દારૂની ૧૫ બોટલ કિંમત રૂા.૧,૨૦૦, એક વાહન કિંમત રૂા.૩૫,૦૦૦, રોકડ રૂા.૪૦,૨૭૦, ૭ મોબાઈલ કિંમત રૂા.૬૦,૫૦૦ સહિત કુલ રૂા.૧,૩૬,૯૭૦ના મુદ્દામાલ સાથે ૬ શખ્સો (૧) યાકુબ જુમા માણેક (દારૂ વેચનાર) રહે.મોચીવાડ (૨) મુસ્તાક યાસીન રમજાન (દારૂ વેચનાર) રહે.મોચીવાડ (૩) યશપાલસિંહ મહિપતસિંહ ઝાલા (ગ્રાહક) રહે.સ્વામીનારાયણ શેરી, ધ્રાંગધ્રા (૪) નરેન્દ્રસિંહ હરપાલસિંહ પરમાર (ગ્રાહક) રહે.સૈનિક સોસાયટી, ધ્રાંગધ્રા (૫) જસમતભાઈ છગનભાઈ સોલંકી (ગ્રાહક) રહે.ધવાણા તા.ધ્રાંગધ્રા અને (૬) હાર્દિક ભરતભાઈ પરમાર (ગ્રાહક) રહે.ધાંચીવાડ ધ્રાંગધ્રાવાળાને ઝડપી પાડયા હતા જ્યારે આ રેઈડ દરમ્યાન મુખ્ય આરોપી અફઝલ ઉર્ફે અજુ જુમા માણેક રહે.મોચીવાડ ધ્રાંગધ્રાવાળો અને ઈંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર બીચ્છુખાન રહે.પીપળી તા.પાટડી અને સ્થળ પરથી મળી આવેલ ટુ વ્હીલરનો માલીક સહિતનાઓ હાજર મળી આવ્યા નહોતા. આથી ઝડપાયેલ ૬ શખ્સો સહિત હાજર મળી ન આવેલ ૩ સહિત કુલ ૯ વ્યક્તિ સામે પોલીસ મથકે ગુન્હો નોંધ્યો હતો.
જ્યારે અન્ય રેઈડમાં ગાંધીનગર એસએમસીની ટીમે શહેરના નરશીપરા વિસ્તારમાં આવેલ નર્મદા ક્વોટરના એક મકાનમાં રેઈડ કરી હતી જેમાં ઈંગ્લીશ દારૂની ૪૧ બોટલો કિંમત રૂા.૩૧,૧૪૫, બે બાઈક, એક કાર સહિત કુલ રૂા.૧,૮૦,૦૦૦, રોકડ રૂા.૬,૦૦૦, ૩ મોબાઈલ કિંમત રૂા.૨૦,૦૦૦ સહિત કુલ રૂા.૨,૩૭,૧૪૫ના મુદ્દામાલ સાથે બે શખ્સો વસીમ મહેબુબશેખ રહે.કસ્બાશેરી ધ્રાંગધ્રા (મુખ્ય આરોપીનો સાગરીત) અને નયન હરજીભાઈ ચૌહાણ રહે.નરશસપરા ધ્રાંગધ્રા (મુખ્ય આરોપીનો સાગરીત)ને ઝડપી પાડયા હતા જ્યારે આ રેઈડ દરમ્યાન નિતિન મથુરભાઈ પરમાર અને તેનો ભાગીદાર સંજય હરજીભાઈ ચૌહાણ રહે.નરશીપરા ધ્રાંગધ્રા તેમજ રવિ જગદીશભાઈ ચૌહાણ (મુખ્ય આરોપીનો ભાગીદાર) રહે.કસ્બા શેરી, ધ્રાંગધ્રાવાળો હાજર ન મળતા કુલ ૦૫ વ્યક્તિ સામે ગુન્હો નોંધ્યો હતો આમ સ્થાનીક પોલીસને અંધારામાં રાખી ૩૧ ઠિીસેમ્બર પૂર્વે જ એસએમસી ટીમે ધ્રાંગધ્રા શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલ બે રહેણાંક મકાનોમાં રેઈડ કરી ઈંગ્લીશ દારૂ સાથે ૮ શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે એસએમસી ટીમ દ્વારા રેઈડ કરી શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ દારૂ ઝડપાતા અન્ય બુટલેગરોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો.