કોબા પાસે નદીમાં રેતી ચોરી ઉપર દરોડો: ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત
જિલ્લામાં નદીઓમાં વધી રહેલી ખનીજ ચોરી વચ્ચે
બાતમીના પગલે ત્રણ દિવસથી ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી : અડધી રાત્રે ઓપરેશન
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં રેતી ચોરીની પ્રવૃત્તિ વધી રહી છે ત્યારે કોબા પાસે પસાર થતી સાબરમતી નદીમાંથી ભૂસ્તર વિભાગની ટીમ અડધી રાત્રે દરોડો પાડીને રેતી ચોરી ઝડપી લીધી છે અને ૫૦ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરી લીધો છે. જપ્ત કરાયેલા મશીનના માલિક સામે હવે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
ગાંધીનગર જિલ્લાના માણસા,દહેગામ અને ગાંધીનગર તાલુકામાંથી પસાર થતી નદીઓમાંથી મોટા પ્રમાણમાં રાત્રીના સમયે રેતી ચોરી થતી હોવાની ફરિયાદો વ્યાપક બની છે ત્યારે જિલ્લા કલેકટર મેહુલ કે દવે દ્વારા ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહને સૂચના આપવામાં આવી હતી કે, આ પ્રકારની ચોરીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ચોરોને ઝડપી લેવામાં આવે. જેના પગલે ભૂસ્તર વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટરને બાતમી મળી હતી કે ગાંધીનગર તાલુકાના કોબા ગામની સીમમા સાબરમતી નદીમાં રાત્રિના સમયે મશીન મૂકીને રેતી ચોરી કરવામાં આવી રહી છે. જે બાતમીના પગલે છેલ્લા ત્રણ દિવસથી ભૂસ્તર વિભાગ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે ગઈ કાલે રાત્રે અંધારામાં આશરે ૧-૩૦ કલાકના સમયગાળા દરમ્યાન દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં રાયસણ બ્રિજ નજીક આવેલા ગાંધીનગર તાલુકાના કોબા ગામની સાબરમતી નદીપટ્ટ ખાતે રેડ દરમ્યાન એક એસ્કેવેટર મશીન ઝડપી લેવામાં આવ્યું હતું. ઓપરેટર સુરેશ જીવણ નીનામા અને મશીન માલિક ગલજીભાઇ ખેમાભાઇ મનાત, રહે-કોબા, તા.જી.ગાંધીનગર દ્વારા પ્રતિબંધિત વિસ્તારમાંથી સાદીરેતી ખિનજનું બિનઅધિકૃત ખનન બદલ આશરે રૃ.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. સાદીરેતી ખનિજના બિનઅધિકૃત ખનન કરાયેલાં વિસ્તારની માપણીની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ જપ્ત કરેલ મશીનના માલિક વિરૃધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.