આજે રફીનો 100મો જન્મ દિવસ : વડોદરામાં 69 વર્ષ પહેલા રફીનો યોજાયો હતો લાઇવ પ્રોગ્રામ
Mohammed Rafi's 100th birthday : પ્રસિદ્ધ હિન્દી પાર્શ્વ ગાયક મરહુમ મહંમદ રફીનો આજે મંગળવારે 100મો જન્મ દિવસ છે ત્યારે વડોદરામાં રહેતા તેના ચાહકો 69 વર્ષ પહેલા વડોદરામાં યોજાયેલા રફી સાહેબના લાઇવ કાર્યક્રમને યાદ કર્યો હતો. મહંમદ રફીના અદમ્ય ચાહક, વોઇસ ઓફ રફી તરીકે ઓળખાતા નિવૃત્ત બેંક અધિકારી ચંદ્રશેખર પાગેદાર કહે છે કે 'હિન્દી સિનેમા જગતના દંતકથા સમાન ગાયક મહંમદ રફીની તા.24 ડિસેમ્બર 2024, મંગળવારના રોજ 100મો જન્મ દિવસ છે.
35 વર્ષની પ્લેબેક સિંગર તરીકેની સફરમાં રફી સાહેબે 4,425 હિન્દી ફિલ્મના ગાયનો ગાયા હતા. ગુજરાતી સહિતની અન્ય ભાષાની ફિલ્મો માટે 310 ગીતો ગાયા અને 328 નોન ફિલ્મી ગીત-ગઝલ ગાયા હતા. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા ગાયક હતા. તેની સમકક્ષ આજ સુધી કોઇ ગાયક થયો નથી.
માણસ નૃત્ય કરવા મજબુર બની જાય તેવા ઝડપી લય-તાલવાળા ગીતોથી લઇને ગઝલ, દેશ ભક્તિ, દર્દીલા, રોમેન્ટિક, કવ્વાલી, ભજનો, શાસ્ત્રીય ગાયકીના ગીતો તેઓ સરળતાથી ગાતા હતા. રાગ યમનના ગીતો તેએ એટલા સુંદર રીતે ગાતા હતા કે સાંભળનાર મગ્ન થઇ જતો હતો. જેમ કે મન રે તુ કાહે ના ધીર ધરે... (ફિલ્મ ચિત્રલેખા), દિલ જો ન કહ સકા... (ફિલ્મ ભીગી રાત), જિંદગી ભર નહીં ભૂલેગી... (બરસાત કી રાત) વગેરે. '
'ન ફનકાર તુજ સા તેરે બાદ આયા... મહંમદ રફી તુ બહુત યાદ આયા'
ચંદ્ર શેખર પાગેદાર ઉમેરે છે કે 'મહંમદ રફી વડોદરામાં એક જ વખત આવ્યા હતા. લગભગ 1955 કે 1956માં આવ્યા હતા. ગાંધી નગરગૃહ બન્યુ તેના બે ત્રણ વર્ષ થયા હતા. આ કાર્યક્રમ ગાંધી નગરગૃહમાં જ યોજાયો હતો. પહેલા દિવસે નૃત્યાંગના સિતારાદેવીનો કાર્યક્રમ હતો અને બીજા દિવસે મહંમદ રફીનો લાઇવ પ્રોગ્રામ હતો. જે રાતના મોડે સુધી ચાલ્યો હતો અને પછી મોડી રાત સુધી રફી સાહેબે તેના ચાહકો સાથે વાતો કરી હતી. હું આજે એટલુ જ કહીશ કે 'ન ફનકાર તુજ સા તેરે બાદ આયા... મહંમદ રફી તુ બહુત યાદ આયા'.
એસએસજી હોસ્પિટલના ડોક્ટર બેલિમ ઓ.બી. મહંમદ રફીના ઝનુની ચાહક છે. તેઓ રફીના ચાહકો માટેની એક ક્લબ પણ ચલાવે છે જેમાં નિયમિત બેઠક યોજાય છે અને મહંમદ રફીના ગીતો ગવાય છે.
ડો.બેલિમ કહે છે કે ગુજરાતમાં રફી સાહેબ માટેના મે જેટલા પ્રોગ્રામ કર્યા એટલા કોઇએ નથી કર્યા. છેલ્લા 10 વર્ષમાં 150 કાર્યક્રમો કર્યા છે. અમારા કાર્યક્રમો નિઃશુલ્ક હોય છે. અમારો હેતુ રફી જેવા ગાયકો આવનારી પેઢી યાદ રાખે તે છે. મંગળવારે રફી સાહેબની જન્મ શતાબ્દી છે તે નિમિત્તે એસએસજી હોસ્પિટલના ઓડિટોરિયમમાં વડોદરાના 150 સિનિયર સિટિઝનો માટે અમે રફીના ગાયનોનો કાર્યક્રમ યોજ્યો હતો અને તમામ સિનિયર સિટિઝનોને ભોજન કરાવ્યુ હતું