અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ત્રણ દિવસનો જલસો, હજાર મહેમાનોને પીરસાશે 2500 પકવાન
વિદેશી મહેમાનોમાં કતારના વડાપ્રધાન અને સુંદર પિચાઈનો સમાવેશ
મહેમાનોને તેમના ડાયટ પ્લાન શેર કરવાનું કહ્યું જેથી એ મુજબનું ભોજન બનાવવામાં આવે
Anant Ambani-Radhika Merchant Wedding: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન નજીક આવી રહ્યા છે અને આ પ્રિ-વેડિંગ ઈવેન્ટની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, ગુજરાતના જામનગરમાં પહેલી માર્ચથી ત્રીજી માર્ચ દરમિયાન અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ઈવેન્ટ યોજાશે. આ કાર્યક્રમમાં દેશ અને દુનિયાની તમામ મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ તેમના સ્વાગત માટે 220થી વધુ પ્રકારની વાનગીની વ્યવસ્થા કરવામાં આવશે. ચાલો જાણીએ કે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગુજરાતની કઈ મોટી હસ્તીઓ પહોંચશે અને આ ત્રણ દિવસીય પ્રિ-વેડિંગ ઈવેન્ટમાં શું ખાસ હશે...
પીરસવામાં આવશે 2500 પકવાન
હોસ્પિટાલિટી ટીમના જણાવ્યા અનુસાર, ભોજનને લઈને મહેમાનોની પસંદગીનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. તે તેમના ડાયટમાં જે વસ્તુઓ ટાળતા હોય છે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. તેથી, પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં આવનારા તમામ મહેમાનોની ટીમ પાસેથી તેમની ફૂડ ચોઈસ વિશેની માહિતી માંગવામાં આવી છે. જેથી દરેક મહેમાનના ડાયટની જરૂરિયાતોનું ધ્યાન રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે.
25 શેફની ખાસ ટીમ તૈયાર કરવામાં આવી
પ્રિ-વેડિંગ માટે ઈન્દોરના લગભગ 25 શેફની ખાસ ટીમ ખડેપગે તહેનાત રહેશે. આ ઈવેન્ટમાં ઈન્દોરી ફૂડને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પારસી, થાઈ, મેક્સિકન, જાપાનીઝ ફૂડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પેન એશિયા પેલેટ પર ફોકસ રહેશે. ત્રણ દિવસ સુધી મહેમાનોને 2500 પ્રકારની વાનગીઓ પીરસવામાં આવશે. જેમાં નાસ્તો, લંચ, ડીનર અને મધ્યરાત્રિના નાસ્તાનો સમાવેશ થશે. જેમાં નાસ્તામાં 70, લંચમાં 250 અને ડિનરમાં 250 જાતના પકવાન પીરસવામાં આવશે. આ ફંકશનમાં એક પણ ડીશ રિપીટ નહિ થાય. તેમજ વિગન લોકોની જરૂરિયાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ રીતે, કુલ વાનગીઓનો આંક 2500 સુધી પહોંચશે.
આ સમારોહમાં બોલિવૂડ, સ્પોર્ટ્સ અને ઉદ્યોગ જગતના લોકોને આમંત્રણ
આ લગ્નમાં સ્ટાર્સનો જમાવડો જોવા મળશે. પ્રિ-વેડિંગ ઈવેન્ટમાં હાજરી આપવા માટે બોલિવૂડની હસ્તીઓમાં અભિનેતા શાહરૂખ ખાન, આમિર ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને સલમાન ખાનને આમંત્રણ આપવામાં આવ્યું.
સ્પોર્ટ્સની હસ્તીઓમાં સચિન તેંડુલકર અને મહેન્દ્ર સિંહ ધોનીથી લઈને અભિનવ બિન્દ્રાને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ અંબાણી પરિવાર વતી ઉદ્યોગની અગ્રણી હસ્તીઓને આમંત્રણ પણ મોકલવામાં આવ્યું છે. તેમાંથી ટાટા સન્સના એન ચંદ્રશેખરન, આદિત્ય બિરલા ગ્રૂપના કેએમ બિરલા, અદાણી ગ્રૂપના ગૌતમ અદાણી અને ભારતી એરટેલના સુનીલ ભારતી મિત્તલ પણ લગ્ન સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.
વિદેશી મહેમાનોનું પણ લિસ્ટ છે લાંબુ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં દેશની જાણીતી હસ્તીઓની સાથે વિદેશથી પણ ઘણાંં મહેમાનો આવવાના છે. તેમાં કતારના વડા પ્રધાન મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન બિન જાસિમ અલ થાની, ફેસબુકની પેરન્ટ કંપની મેટાના સ્થાપક માર્ક ઝકરબર્ગ, ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ અને જેરેડ કુશનર, બિલ ગેટ્સ અને પૌલા હર્ડ, એડોબના શાંતનુ નારાયણ અને રેની નારાયણ, આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ, વોલ્ટ ડિઝનીના સીઈઓ બોબ ઈગરને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.