હીંચકા પર ફાંસો લાગી જતા જીવ ગુમાવનાર રચિતને આઇ.પી.એસ. બનવું હતું
ફ્લેટના તમામ રહીશોનો તે લાડકવાયો હતો : રહીશોની આંખોમાંથી આંસુ સૂકાતા નથી
વડોદરા,લક્કડપીઠા રોડ પરના એક ફ્લેટમાં હીંચકામાં રમતા ૧૦ વર્ષના બાળકે ગળામાં પહેરેલી ટાઇ હીંચકના રોડ પર વીંટળાઇ જતા તેને ગળા ફાંસો લાગી ગયો હતો. ફ્લેટના તમામ રહીશોના લાડકવાયાને મોટા થઇને આઇ.પી.એસ. ઓફિસર બનવું હતું.
લક્કડપીઠા રોડ ગનુબકરીના ખાંચામાં લક્ષ્મી ફ્લેટમાં રહેતા શાકભાજીના વેપારી ધરમભાઇ પટેલના ૧૦ વર્ષનો પુત્ર રચિત હીંચકા પર રમતો હતો. તે સમયે ગળામાં પહેરેલી ટાઇ હીંચકાના રોડમાં ફસાઇ જતા તેના ગળા પર ફાંસો લાગી ગયો હતો. જેના કારણે તેનું મોત થયું હતું. હીંચકામાં ફિટ કરેલા ગોળ ડિઝાઇનવાળું કડું પણ વળી ગયું હતું. આ અંગે નવાપુરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી. રચિત અશોકરાજે ગાયકવાડા સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. તે સ્પોર્ટસમાં ખૂબ જ એક્ટિવ હતો. તેમજ ફ્લેટના તમામ રહીશોનો પણ તે લાડકવાયો હતો. રચિતના ફ્લેટના રહીશો પણ ભારે શોકમાં ગરકાવ છે. રચિતનો પરિવાર અને ફ્લેટના રહીશો સમક્ષ રચિતની વાત નીકળતા જ તેઓની આંખો આંસુથી છલકાઇ જાય છે. તેઓ હજી પણ આઘાતમાંથી બહાર આવી શક્યા નથી.
આજે નવાપુરા પોલીસ સ્ટેશનના પી.આઇ. એમ.એસ.અસારી નિવેદન લેવા માટે બાળકના ઘરે ગયા હતા. પરંતુ, બાળકના પિતા અસ્થિ વિસર્જન માટે ગયા હતા. ઘરે બાળકની માતા હતી. પરિવારના આક્રંદના કારણે તેઓ થોડા સમયમાં જ નીકળી ગયા હતા. ફ્લેટના રહીશોએ જણાવ્યું હતું કે, રચિત બધા સાથે હળી મળીને રહેતો હતો. તેના ફ્લેટમાં રહેતા એક રહીશને તેણે કહ્યું હતું કે, મોટા થઇને મને આઇ.પી.એસ. બની જવા દો. પછી બધાની સાન ઠેકાણે લાવી દઇશ. સ્પોર્ટ્સ ઉપરાંત તમામ પ્રકારની પ્રવૃત્તિમાં એક્ટિવ રચિત ભણવામાં પણ હોંશિયાર હતો. તેના સ્કૂલના શિક્ષકો પણ તેના વખાણ કરતા હતા.
ોે
ફ્રિજ પર લખ્યું હતું : આઇ લવ યુ મોમ એન્ડ ડેડ
વડોદરા,રચિતને તેના માતા - પિતા પર પણ ખૂબ પ્રેમ હતો. તેણે ઘરના ફ્રિજની ઉપર એવું લખ્યું હતું કે, આઇ લવ યુ મોમ એન્ડ ડેડ. આગામી સમયમાં યોજાનારી કથામાં વક્તા દ્વારા પ્રશ્નો પૂછાય તો તેના જવાબ તરત આપી શકાય તે માટે રચિત ધાર્મિક પુસ્તકોનું વાંચન પણ કરતો હતો. તેની બાબરીના પ્રસંગમાં તેના પિતાએ મોટું ફંક્શન રાખ્યું હતું. જેમાં ૨૫ લાખ જેટલો ખર્ચ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
૧૮ મી ડિસેમ્બરે જ રચિતનો જન્મ દિવસ હતો
વડોદરા,ધરમભાઇ પટેલના લગ્ન વર્ષ - ૨૦૦૬માં થયા હતા. લગ્નના ૮ વર્ષ પછી વર્ષ - ૨૦૧૪માં પુત્રનો જન્મ થતા કુટુંબમાં તે લાડકવાયો હતો. ગત તા.૧૮ મી એ જ તેનો જન્મ દિવસ હતો. રચિત સ્કૂલેથી કે ગ્રાઉન્ડમાંથી પરત ઘરે આવે ત્યારે ફ્લેટના અને ફળિયાના રહીશો સાથે કાયમ ક્રિકેટર જસપ્રીત બૂમરાહની જ વાતો કરતો હતો.