ઝાડાવાડમાં માવઠાની આગાહી વચ્ચે રવી પાકને નુકસાન જવાનો ભય
- ખેડૂતો ધૂમ્મસ અને ભેજથી ચિંતિત બન્યા
- ભેજયુક્ત વાતાવરણના કારણે શિયાળુ પાકને નુકશાન
- અંદાજે ૨.૨૫ લાખ હેકટર જમીનમાં શિયાળુ વાવેતર ઃ વરસાદ પડે તો જીરૂ, ઘઉંનું ઓછું ઉત્પાદની શક્યતા
સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ દરમ્યાન કમૌસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે છેલ્લા ત્રણ-ચાર દિવસથી સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પલટો નોંધાયો છે અને સવારથી વાદળછાયા વાતાવરણ અને કડકડતી ઠંડીના કારણે ખેડૂતોએ મહામહેનતે કરેલ જીરૂ અને ઘઉં સહિતના પાકોને મોટાપાયે નુકશાની જવાની ભીતિ સેવાતા ખેડૂતો ફરી ચિંતિત બન્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારીત જીલ્લો અને અને ખેડુતો મોટાભાગે ખેતી પર નિર્ભર છે જેમાં જીલ્લામાં નર્મદા કેનાલ આવ્યા બાદ ઝાલાવાડના ખેડુતોને વરસાદ પર નીર્ભર રહેવું પડતું નથી અને બારે મહિનામાં ત્રણ સીઝન પાક લેતા એકંદરે ખેડુતો સમૃધ્ધ બન્યા છે જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અંદાજે ૨.૨૫ લાખ હેકટર જમીનમાં શીયાળુ પાકનું વાવેતર નોંધાયું છે. જે ગત વર્ષની સરખામણીએ અંદાજે ૪૦ લાખ હેકટર જમીનમાં શિયાળુ વાવેતરનો વધારો થયો છે પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસથી હવામાનની આગાહીના પગલે જીલ્લામાં ઠંડીની અસર જોવા મળી રહી છે અને ૧૬ થી ૨૦ કિમિની ઝડપે પવન ફુંકાતા શિયાળુ પાક પર તેની અસર પડી રહી છે. જ્યારે વાતાવરણમાં પણ ભેજના કારણે જીરૂ અને ધઉં સહિતના પાકને નુકશાન પહોંચવાની ભીતી સેવાઈ રહી છે. ચાલુ શિયાળાની સીઝનમાં ઝાલાવાડના ખેડુતોએ જીરૂ અને ઘઉંનું સારા ઉત્પાદન અને પોષણક્ષમ ભાવો મળવાની આશાએ વાવેતર તો કરી નાંખ્યું પરંતુ વાતાવરણમાં પલટાના કારણે મહામહેનતે કરેલ શિયાળુ પાકને નુકશાની જવાની ભીતી ઉભી થઈ છે અને ખેડુતોના મોમાં આવેલ કોળીયો છીનવાઈ જવાનો ખેડુતોને ડર સતાવી રહ્યો છે.
ગત ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે ખેડુતોને થયેલ નુકશાનીનું હજુ સુધી સરકાર દ્વારા યોગ્ય અને પુરૂ વળતર ચુકવવામાં આવ્યું નથી ત્યારે હવે શિયાળુ પાક પર પણ જાણે કુદરત રૂઠી હોય તેમ લાગી રહ્યું છે.