પુણા જનસેવા કેન્દ્રમાં દાખલા કઢાવવા રાતે 11 સુધી લાઇન
- 18 કલાક કામગીરી છતા રોજેરોજ લાંબી લાઇન : તા.29 મીએ એક દિવસમાં 1240 દાખલા કઢાયા
સુરત
પુણા
જનસેવા કેન્દ્વો પર આવક સહિતના સર્ટિફિકેટ માટે કલેકટરાલય દ્વારા ત્રણ શિફટમાં
કામગીરી શરૃ કરી ૧૮ કલાક સુધી કચેરી ધમધમતી રાખવા છતા મોડી રાત્રીના ૧૧ વાગ્યા
સુધી અરજદારોની લાઇનો રહે છે. અને દાખલાઓ તૈયાર કરી આપવા માટે મળસ્કે ત્રણ વાગ્યા સુધી કામગીરી કરવા છતા
લાઇનો ઘટતી જ નથી.
બોર્ડના પરિણામ પછી પુણા જનસેવા કેન્દ્રો પર આવકના દાખલા કઢાવવા માટે જે લાઇનો શરૃ થઇ હતી. તે હજુ સુધી ઓછી થઇ નથી. ઉલ્ટાનું રાત્રીના સાડા અગિયાર વાગ્યા સુધી લાઇનો રહે છે. દરરોજ લાઇનો વધતા સીટી પ્રાંત ઓફિસર દ્વારા પહેલા એક હંગામી કચેરી શરૃ કરી ત્યારબાદ સ્ટાફ વધારાયો છતા પણ પહોંચી નહીં વળતા હવે વધારાનો સ્ટાફ મુકીને છ-છ કલાકના ત્રણ શિફટ મુકીને ૨૪ માંથી ૧૮ કલાક કામગીરી શરૃ કરી છે. આ કેન્દ્વો પર ૯-૯ કલાકની શિફટમાં બે નાયબ મામલતદાર, બે તલાટી, ચાર ઓપરેટર મળી કુલ ૧૭ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. જેમાં ૨૯ મી મે ના રોજ એક જ દિવસમાં ૧૨૪૦ અરજદારોને દાખલા કાઢી આપવામાં આવ્યા હતા. સિટી પ્રાંત ઓફિસરે જણાવ્યું કે, પુણા જનસેવા કેન્દ્ર પર ત્રણ-ત્રણ કલાકની શિફટમાં કામગીરી વહેંચીને એક જ દિવસમાં આવકના કે પછી અન્ય સર્ટિફિકેટ આપવાનું શરૃ કરાયુ છે છતા લાઇનો ઓછી થતી નથી.
બોર્ડની પરીક્ષામાં પાસ થયેલા પચ્ચીસ હજાર વિદ્યાર્થીઓ ઉપરાંત નમો લક્ષ્મી યોજનાના વિદ્યાર્થીઓનો પણ ધસારો
પુણા જનસેવા કેન્દ્વો જે વિસ્તારમાં આવે છે. તે વરાછા અને
પુણા વિસ્તારમાંથી ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડના અંદાજે ૨૫ હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે.
આ વિદ્યાર્થીઓને આવકના દાખલા આપવાનું ચાલી જ રહ્યુ છે ત્યારે હવે નમો લક્ષ્મી
યોજના આવતા ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. અને આ વિદ્યાર્થીઓ પણ આવકના દાખલા
મેળવવા લાઇનમાં ઉભા રહેતા રાત્રીના સાડા અગિયાર વાગ્યા સુધી લાઇનો રહે છે.