પોલીસની નાઈટ પેટ્રોલિંગ કામગીરી સામે સવાલો
- લારી પાસે બેસેલાં નાશાખોર તત્વોને ટપારતાં મામલો બિચક્યો, થોડા સમયમાં ટોળું ધસી આવ્યું
- વડવા નેરામાં દાળપુરીની લારીમાં રાત્રે તોડફોડ અને પથ્થરમારો, સાંજે ફરી પથ્થર ફેંકાતાં તંગદિલી સર્જાઈ
ભાવનગર : ભાવનગર શહેરમાં જાણે કે પોલીસ અને કાયદાનો ડર જ ન હોય તેમ એક તરફ શહેરના પોશ વિસ્તારોના મુખ્ય પ્રવેશદ્વારે પોલીસ નાઈટ પેટ્રોલિંગના નામે સભ્ય સમાજના વાહનોને અટકાવી કાયદો સમજાવી રહી છે બીજી તરફ, શહેરના બીજા છેડે સરાજાહેર ધમાલ સહિતના બનાવો બની રહ્યા છે. આવો જએક બનાવ શનિવારે મોડી રાત્રે શહેરના વડવા નેરા વિસ્તારમાં બન્યો હતો. જેમાં વડવા નેરામાં આવેલી મસ્જિદ નજીક દાળપુરીની લારી ધરાવતા યુવાને નશીલી હાલતમાં પાસે બેઠેલા પાંચ શખ્સને ટપારતાં મામલો બિચક્યો હતો. અને જોતજોતામાં ૬૦ જેટલાં શખ્સોના ટોળાંએ દાળપુરીની લારીએ આવી લારી પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી.બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થલે દોડી ગયો હતો. જો કે, આ ઘટના બાદ આજે રવિવારે સાંજે પણ ફરી આ જ લારીને નિશાન બનાવી તેના પર પથ્થર ફેંકાતાં નિલમબાગ પોલીસ કાફલો ફરી દોડી ગયો હતો. જો કે, બનાવને લઈ મોડી સાંજ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. જો કે, બનાવને લઈ પથ્થરમારાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
શનિવારે મોડીરાત્રે 60 થી વધુના ટોળાનો લારી પર પથ્થરમારો અને તોડફોડ, રવિવારે સાંજે લારી પર પથ્થર ફેંકાયા : બનાવને લઈ શહેરભરમાં ચર્ચા
ભાવનગર પોલીસને ખુલ્લો પડકાર ફેંકતાં બનાવની વિગત એવી છે કે, શહેરના વડવા નેરા વિસ્તારમાં આવેલ મસ્જિદ નજીક દાળપુરીની લારી ધરાવતા ઈમરાન ભાઈ સુમરાએ લારી પાસે ગત શનિવારની રાત્રિના સુમારે નશીલી હાલતમાં બેઠેલા પાંચ શખ્સોને લારીધારકે ટપાર્યા હતા જેમાં બન્ને જૂથ વચ્ચે વચ્ચે રકઝક થઈ હતી અને માથાકૂટ સર્જાઈ હતી. જો કે, આ મામલે થોડી જ વારમાં પાંચ શખ્સોની સાથે અંદાજે ૬૦ જેટલાં લોકોનું ટોળું સ્થળ પર ધસી આવ્યું હતું. અને દાળપુરીની લારી ઉંંધી વાળી લોખંડના પાઇપ લાકડાના ધોકા વડે નુકશાન પહોંચાડયું હતું. આ પણ અધુરૂં હોય તેમ લારી પર પથ્થરમારો પણ ચલાવ્યો હતો, મોડી રાત્રે બનેલાં બનાવને લઈ સમગ્ર વિસ્તારમાં ભઆરે ચકચાર મચી હતી. તો, બનાવને લઈ થોડા સમય માટે તંગદીલીભર્યો માહોલ પણ સર્જાતાં નાસભાગ મચી ગઈ હતી.બનાવની જાણ થતાં જ નિલમબાગ પોલીસ તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો મસમોટો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને સ્થિતિને કાબૂમાં લીધી હતા. જો કે, પોલીસના આગમન પૂર્વે જ તોફાની તત્વો સ્થળ પરથી નાસી છૂટયા હતા.જો કે, ગત શનિવારની રાત્રિના બનાવ બાદ આજે સાંજે આ મામલો ફરી બળવત્તર બન્યો હતો અને સાંજે ફરી આવારા અજાણ્યા તત્વો દ્વારા લારી પર પથ્થરો ફેંકાયા હતા. બનાવના પગલે સાંજે ફરી પોસીસનો મસમોટો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જો કે,ગતરોજની જેમ ફરી અજાણ્યા તત્વો ફરી હવામાં ઓગળી ગયા હતા. બનાવ સંદર્ભે નિલમબાગ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. ઝાલાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે,દાળપુરીની લારીમાં તોડફોડ અને પથ્થરમારાની ઘટના બની છે પરંતુ, હજુ સુધી લારી ધારકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી ન હોવાનું જણાવ્યું હતું. તો, આ ઘટના સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. જયારે, આજે મોડીસાંજે લારી પર પથ્થરમારાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. બનાવે વધુ એક વખત ભાવનગરમાં પોલીસના અસ્તિત્વ સામે ઘણાં સવાલો ઉભા કર્યા છે.
પોલીસને ખુલ્લો પડકાર ફેંકતી ઘટનામાં બે-બે દિવસ સરાજાહેર આવારદર્દી છતાં લારીધારક દ્વારા પોલીસ ફરિયાદ નહીં : બનાવમાં પથ્થરમારો થતો હોવાના વીડિયો વાયરલ
સવારે વડવા તલાવડીમાંથી દેશી દારૂ ઝડપાયો, રાત્રે નેરામાં તોડફોડ
નશાખોર તત્વોને ટપારવાના મામલે શહેરના વડવા નેરામાં શનિવારની રાત્રે દાળપુરીની લારી પર પથ્થરમારા અને તોડફોડની ઘટના બની હતી. ત્યાંથી થોડે દૂર આ જ વિસ્તારમાં સવારના સુમારે મહાપાલિકાની દબાણ હટાવ કામગીરી દરમિયાન દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આમ એક જ વિસ્તારમાંથી સવારે દેશી દારૂ મળવાની અને સાંજે તોડફોડ, પથ્થરમારાની ઘટના ઘણી સૂચક સાબિત થઈ રહી છે. પોલીસે આ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ વધારવાની તાતી જરૂર હોવાની સ્થાનિકો વર્ગમાંથી માંગ ઉઠી છે.
વડવા વોશિંગઘાટ નજીક ઓરડીમાં આગ
શહેરના વડવા નેરામાં એક તરફ દાળપુરીની લારીમાં તોડફોડો અને પથ્થરમારાની ઘટના બની હતી. તો, બીજીતરફ આ જ સમયે શહેરના વડવા વોશિંગઘાટ સામે આવેલ કબ્રસ્તાન નજીક ચોકીદારની ઓરડીમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બીજી તરફ, બનાવની જાણ થતાં જ ફાયર સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.અને એક ગાડી પાણી છાંટી આગને કાબૂમાં લિધી હતી.આગમાં ઓરડીમાં રાખવામાં આવેલ ઘરવખરી અને માલસમાન બળીને ખાક થઈ ગયો હતો.જયારે,આગ લાગવાનું કારણ અને ઓરડીના માલિક કોણ છેતેની પ્રાથમિક માહિતી ઉપલબ્ધ બની ન હોવાનું ફાયરબ્રિગેડના સૂત્રાએ વિગત આપતાં જણાવ્યું હતું.