કોમર્સમાં પ્રવેશ માટે ફોર્મ ભરનારા 58 ટકાથી નીચેના 1500 વિદ્યાર્થીઓના ભાવિ પર પ્રશ્નાર્થ
એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ કોમર્સ ફેકલ્ટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટે જનરલ કેટેગરીમાં 58.50 ટકાએ પ્રવેશ અટકાવ્યો છે. તેની સામે બહારગામના વિદ્યાર્થીઓને 43 ટકાએ પ્રવેશ મળ્યો છે. જોકે એ પછી હવે તેનાથી નીચેની ટકાવારીવાળા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો કે નહીં તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.
બીજી તરફ જીકાસ પોર્ટલ થકી કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ માટે ફોર્મ ભરનારા 1500 જેટલા વિદ્યાર્થીઓ એવા છે જેમના 58.50 ટકા કરતા નીચે માર્કસ છે. આ વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના વડોદરાના અને જનરલ કેટેગરીના છે. ફેકલ્ટીના સૂત્રોનુ કહેવુ છે કે, છેલ્લી પ્રવેશ યાદી લગભગ 727 વિદ્યાર્થીઓની બહાર પાડવામાં આવી હતી. જેમને પણ ફી ભરવા માટે એક જ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જેના કારણે આ યાદીમાં સામેલ કેટલાય વિદ્યાર્થીઓ સમય ઓછો હોવાથી ફી ભરી શક્યા નથી. આમ છતા કોમર્સ ફેકલ્ટીમાં એફવાયમાં અત્યાર સુધીમાં 6100 વિદ્યાર્થીઓ ફી ભરી ચૂકયા છે.
સૂત્રોનુ કહેવુ છે કે, જોકે 58.50 ટકાથી નીચેના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અંગે કોઈ નિર્ણય લેવાઈ રહ્યો નથી. સત્તાધીશોએ વડોદરાના તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો મુદ્દો લટકાવીને રાખવાની નીતિ અપનાવી છે. જેથી પ્રવેશની રાહ જોતા મહત્તમ વિદ્યાર્થીઓ કંટાળીને બીજે પ્રવેશ લઈ લે અને સત્તાધીશો પોતાનો કક્કો ખરો કરી શકે.
બીજી તરફ તા.૪ થી ૬ જુલાઈ સુધી વિદ્યાર્થીઓ નવા પ્રવેશ ફોર્મ ભરી શકે અથવા અગાઉ ભરેલા પ્રવેશ ફોર્મમાં સુધારો કરી શકે તે માટે જીકાસ પોર્ટલ ઓપન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ છતા આ ત્રણ દિવસ દરમિયાન એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીનો વિકલ્પ ફોર્મ ભરવા માટે ઉપલબ્ધ જ નહીં હોવાની ફરિયાદો ઉઠી છે. આમ સત્તાધીશોએ વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ ના આપવો પડે તે માટે કોમર્સ ફેકલ્ટીની પોર્ટલમાંથી બાદબાકી કરાવી નાંખી હોવાની પણ ચર્ચા શરુ થઈ છે. આ મુદ્દે કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો.કેતન ઉપાધ્યાય ભેદી મૌન ધારણ કરીને બેઠા છે.