માંડવી દરવાજા વચ્ચે ટેકો આપવા મૂકેલા લોખંડના પિલરોથી વધારે નુકસાનનો ડર
વડોદરાઃ શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક માંડવી દરવાજામાં પડેલી તિરાડોને લઈને ભારે ઉહાપોહ થયો છે.
મળતી વિગતો પ્રમાણે માંડવી દરવાજાના પોપડા ખર્યા બાદ કોર્પોરેશને હજી સુધી સત્તાવાર રીતે રિસ્ટોરેશન માટે કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો નથી પરંતુ સુરતના એક કોન્ટ્રાકટરની મદદથી વચગાળાનું કામ શરુ કરાયું છે.જેના ભાગરુપે માંડવી દરવાજાની અંદર ટેકો આપવા માટે રાતોરાત લોખંડના પિલરો ઉભા કરાયા છે.
જોકે માંડવી દરવાજાને બચાવવા માટે રોજ માંડવી દરવાજા નીચે તપ કરી રહેલા વિઠ્ઠલનાથજી મંદિરના મહારાજ હરિઓમ વ્યાસે આ કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, દરવાજાની કમાનોની વચ્ચે લોખંડના પિલ્લરો હથોડા મારીને ફીટ કરાયા છે અને તેના કારણે તો જે તિરાડો હતી તે વધારે પહોળી થઈ રહી છે.
આ બાબતે વડોદરાના આર્ટ હિસ્ટોરિયન તેમજ મહાત્મા ગાંધીજીના પોરબંદરના ઘર સહિત ૨૫ જેટલી ઐતિહાસિક ઈમારતોનું રિસ્ટોરેશન કરી ચૂકેલા ચંદ્રશેખર પાટિલનું કહેવું છે કે, જે રીતે સમારકામ થઈ રહ્યું છે તે પધ્ધતિ યોગ્ય નથી.કમાનોની વચ્ચે પિલ્લર ઉભા કરી શકાય નહીં.આ પિલ્લરો ઉભા કરવા માટે હથોડા મારવામાં આવ્યા છે અને વેેલ્ડિંગ કરાયું છે.તેના કારણે તો ભવિષ્યમાં આ હિસ્સો પણ પડી શકે છે.
તેમના કહેવા અનુસાર છેલ્લા દર વર્ષમાં બે વખત માંડવી દરવાજાનું સમારકામ કરાયું હોવા છતા ફરી દરવાજાને નુકસાન થયું છે.માંડવી જેવી જૂની ઈમારતોમાં રિસ્ટોરેશન માટે ચૂનાનો ઉપયોગ થાય છે.ચૂનાને ઉપયોગમાં લેતા પહેલા તેને ૬ મહિના સુધી પલાળવાની જરુર હોય છે.