લઠ્ઠાકાંડ પર પડદો પાડવા માટે પોલીસે સોગઠા ગોઠવ્યા છે કે કેમ? હવે પીએમ અને વિસેરા રિપોર્ટ્સનું હથિયાર આગળ ધર્યું
Nadiad Lathtakand : નડિયાદના જવાહરનગરમાં દેશી દારૂ પીવાથી 3 વ્યક્તિના મૃત્યુને 48 કલાક બાદ પણ જિલ્લા પોલીસ મૃત્યુનું ચોક્કસ કારણ સુધી પહોંચવામાં અસફળ રહી છે. ત્યારે મંગળવારે જિલ્લા પોલીસ વડાએ કાર્ડિયો રેસ્પીરેટરી એરેસ્ટ (હૃદય અને ફેફસાં બંધ થવા)થી ત્રણેયના મૃત્યુ થયા હોવાનું પીએમ રિપોર્ટના આધારે જણાવ્યું છે. વિસેરાના રિપોર્ટ બાદ મૃત્યુના કારણની વધુ સ્પષ્ટતા થશે તેવું પણ તેમણે ઉમેર્યું છે.
પોલીસે હવે લોહીના રિપોર્ટના બદલે પીએમ અને વિસેરાના રિપોર્ટનું હથિયાર આગળ ધરી લઠ્ઠાકાંડ પર પડદો પાડવાના પ્રયાસો શરૂ કર્યા છે. ત્યારે એવું કયું કેમિકલ કે નશીલો પદાર્થ પીધા પછી ત્રણેયના મોત થયા? એફએસએલ ઉપર આધાર રાખી પોલીસ રાહ જોઈ બેઠી છે. 48 કલાક બાદ પોલીસે આ ઘટનામાં માત્ર એડી દાખલ કરી સંતોષ માન્યો છે. ત્યારે હજૂ નડિયાદમાં દારૂ વેચવાના ઠેકાણાં ઉપર દરોડાં પાડવાનું પોલીસને સુજતું નથી.
નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં કનુભાઈ ચૌહાણ, રવિન્દ્ર રાઠોડ અને યોગેશ કુશવાહાના દેશી દારૂ પીધા બાદ આકસ્મિક મૃત્યુ થયા હતા. આ બનાવના 48 કલાક બાદ પણ પોલીસ હજુ મૃત્યુના ચોક્કસ કારણ સુધી પહોંચવામાં અસફળ રહી છે. આજે જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, 'પી.એમ. રિપોર્ટ પરથી જે પ્રાથમિક માહિતી મળી છે તે મુજબ કાડયો રેસ્પીરેટરી એરેસ્ટથી ત્રણેય વ્યક્તિઓના મૃત્યુ થયા છે. વિસેરાના રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુના કારણની વધુ સ્પષ્ટતા થશે.
કાડયો રેસ્પીરેટરી એરેસ્ટ એટલે કે, ત્રણેય વ્યક્તિઓના અચાનક હૃદય અને ફેફસાં કામ કરતા બંધ થઈ જવાથી મૃત્યુ થયુ છે. જો કે, હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે, જિલ્લા પોલીસ વડાએ ઘટનાના 12 કલાક બાદ તુરંત લોહીના રિપોર્ટમાં મિથેનોલ-ઈથેનોલનું પ્રમાણ ન મળ્યું હોવાની સ્પષ્ટતા કરી હતી. તેમજ લોહીના રિપોર્ટ નીલ હોવાનું પણ જણાવ્યું હતું, તો વળી, બીજીતરફ એમ પણ ઉમેર્યુ હતુ કે, કોઈ ઝેરી દ્રવ્યથી મોત થયું હોઈ શકે.
ત્યારે જો કોઈ ઝેરી દ્રવ્યના કારણે મૃત્યુ થયું હોય તો આ ઝેરી દ્રવ્યના તત્વો લોહીના રિપોર્ટમાં કેમ ન આવ્યા? તે સૌથી મોટો પ્રશ્ન છે. જેથી લઠ્ઠાકાંડ પર પડદો પાડવા માટે પોલીસે સોગઠા ગોઠવ્યા છે કે કેમ? તેમજ પોલીસ કોને બચાવી રહી છે, તે તમામ પ્રશ્નો હજુ પણ ચર્ચાના કેન્દ્રમાં છે. તો હજુ 48 કલાક બાદ પણ પોલીસ મૃત્યુના ચોક્કસ કારણ સુધી પહોંચી શકી નથી.
જે સ્થળે 3 લોકોનું મૃત્યુ થયું, તે સ્થળની નજીકમાં આવેલી સોડાની દુકાનમાં સોડા બનાવવાના મશીનથી સોડા બનાવી અને ગ્લાસમાં આપવામાં આવતી હતી. તેમજ દુકાનની બહાર જીરા સોડાનું બોર્ડ પણ લગાવેલું છે. ત્યારે પોલીસે આ સોડાના દુકાનદારની પૂછપરછ આદરી છે કે કેમ? તેમજ સોડા અંગે વધુ તપાસ કરી છે કે કેમ? તે મહત્વનો પ્રશ્ન છે.
સલાહકાર સમિતિના સભ્યો પાસે નડિયાદના અડ્ડાઓનું લિસ્ટ
આ તરફ ખેડા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ડિસેમ્બર અંતમાં પોલીસ સલાહકાર સમિતિના સભ્યોની વરણી કરી બેઠક બોલાવી હતી. આ સલાહકાર સમિતિના બે તૃતિયાંશ સભ્યો પાસે નડિયાદ સહિત જિલ્લાભરના દેશી-વિદેશી દારૂ વેચતા બુટલેગરોના અડ્ડાઓનું લિસ્ટ છે, છતાં આ અડ્ડાઓ બંધ કરાવી અને દારૂનું દૂષણ ડામવા માટે પોલીસને સલાહ આપવાના બદલે સભ્યો દ્વારા આ બેઠકમાં માત્ર વાતોના વડા કરી અને પોલીસની પ્રશંસા માત્ર કરી અને છૂટા પડી ગયા હતા.
તો બુટલેગર ગલ્યો હજૂ પોલીસ મથકમાં કેમ?
એકતરફ પોલીસ દ્વારા આ લઠ્ઠાકાંડ ન હોવાનું જણાવી અને અનેક પ્રકારના ખુલાસા આપવામાં આવી રહ્યા છે. તો બીજીતરફ જે સ્થળ પર મૃત્યુ થયા ત્યાં 20 મીટરના અંતરે આવેલા દેશી દારૂનો વેપલો કરતા બુટલેગર ગલ્યાને પોલીસે રવિવારની રાતે જ ઉઠાવી લીધો હતો અને હજુ પણ પોલીસે આ ગલ્યાને પોતાની પાસે જ રાખ્યો છે, ત્યારે તેને કયા કેસમાં પોલીસે પકડી રાખ્યો છે અને કાયદેસરની કોઈ ધરપકડ બતાવી છે કે કેમ? તે પણ પ્રશ્નો ઉઠયા છે.
આ પ્રશ્નો પણ શંકા ઉભી કરે છે.
જો સોડા પીધાના 5 મિનિટમાં તડફડિયા ખાવા લાગ્યા તો મૃતકો સોડાની બોટલ નાખવા માટે કચરાપેટી સુધી ગયા હશે?
પોલીસે કચરાપેટીમાંથી બોટલ જપ્ત કરી તો આ જ બોટલમાંથી સોડા પીધી તેવું શેના આધારે નક્કી કર્યુ?
પોલીસે મૃતકોના ફિંગરપ્રિન્ટ લીધા? કે બોટલ પરથી ફિંગરપ્રિન્ટ મેળવ્યા? દેશી દારૂના બુટલેગર ગલ્યાની ભૂમિકા શું?