પુરૃષોત્તમભાઇએ 20 દિવસ પહેલા કહ્યું હતું કે વડોદરા આવીને અંબાજી દર્શન કરવા જવુ છે
વડોદરામાં તેઓનો છેલ્લો જાહેર કાર્યક્રમ વર્ષ ૨૦૧૭માં હતો
વડોદરા : સ્વરોત્તમ અને સૂરોત્તમ તરીકે ઓળખાતા પદ્મશ્રી પુરૃષોત્તમભાઇ ઉપાધ્યાયનું મુંબઇ ખાતે ૯૦ વર્ષની વયે નિધન થયુ છે. ગુજરાતી સુગમ સંગીતને તેઓએ લોકપ્રિય બનાવ્યુ હતું. આજે મોક્ષદા એકાદશીના પવિત્ર દિવસે જ પવિત્ર આત્માની વિદાય થવી એ બતાવે છે કે તેઓ સાચા અર્થમાં સૂરના સાધક હતા.
વડોદરા પુરૃષોત્તમભાઇનું મોસાળ છે, તેમના માતા મકરપુરાની સૌજન્ય સોસાયટીમાં જ્યારે બહેન કાપડી પોળમાં રહેતા હતા
વડોદરા ખાતે પુરૃષોત્તમભાઇના પરિચીત ઉપેન્દ્ર સોની (લાલાભાઇ)એ કહ્યું હતું કે 'પુરૃષોત્તમભાઇ જ્યારે પણ વડોદરા આવે ત્યારે હોટલમાં નહી પરંતુ તેમના પરિચીતોને ત્યાં અથવા તો મારા ઘરે જ રોકાતા હતા.હજુ ૨૦ દિવસ પહેલા જ પુરૃષોત્તમભાઇના શિષ્ય કૃણાલ વોરા સાથે વાત થઇ ત્યારે તેમણે કહ્યું કે પુરૃષોત્તમભાઇની ઇચ્છા અંબાજી ખાતે માતાજીના દર્શન કરવાની છે એટલે ડિસેમ્બરના અંતમાં પહેલા વડોદરા આવીશુ પછી અમદાવાદ જઇશુ અને ત્યાંથી અંબાજી જઇશું.'
'પુરૃષોત્તમભાઇએ વડોદરામાં છેલ્લે ૨૦૧૭માં શિવોત્સવમાં લાઇવ પરફોર્મન્સ આપ્યુ હતું. તેઓ સળંગ ત્રણ વર્ષ એટલે કે વર્ષ ૨૦૧૫, ૨૦૧૬ અને ૨૦૧૭ વડોદરામાં પરફોર્મન્સ માટે આવ્યા હતા. તે પછી તેઓનો કોઇ જાહેર કાર્યક્રમ યોજાયો નથી. પુરૃષોત્તમભાઇ મૂળ ખેડા જિલ્લાના ઉત્તરસંડાના પણ વડોદરા તેઓનું મોસાળ. તેમના માતા મકરપુરાની સૌજન્ય સોસાયટીમાં રહેતા હતા જ્યારે બહેન કાપડી પોળમાં રહેતા હતા.'