પી.વી. મૂરજાણી આપઘાત કેસમાં તેમની માનેલી પુત્રી અને તેની માતા ભાવનગર રાજકોટ હાઇવે પરથી પકડાયા
Purshottam Moorjani Suicide Case : કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પી.વી. મૂરજાણીના આપઘાત પછી તેમની સુસાઇડ નોટ જાહેર થતાં તેમની માનેલી દીકરી અને માનેલી દીકરીની માતા બંને ફરાર થઈ ગયા હતા. ચાર દિવસની દોડધામ પછી પાણીગેટ પોલીસની ટીમે માતા દીકરીને ભાવનગર રાજકોટ હાઇવે પરથી ઝડપી પાડ્યા છે.
વાઘોડિયા રોડ નારાયણ બંગલૉમાં રહેતા ગ્રાહક સુરક્ષાના અગ્રણી પી.વી. મૂરજાણીએ તેમની માનેલી દીકરી કોમલ અને તેના માતા સંગીતાબેનના બ્લેકમેલથી કંટાળીને શુક્રવારે રાત્રે પોતાની લાયસન્સ વાળી રિવોલ્વરથી ફાયરિંગ કરી આપાત કરી લીધો હતો. તેમણે સુસાઇડ નોટમાં માતા અને દીકરીના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો અને પોતાના મોત માટે પણ તેમને જ જવાબદાર ઠેરવ્યા હતા.
કોમલ અને તેની માતા શુક્રવારે રાત્રે અમદાવાદથી વડોદરા આવ્યા હતા. ત્યારબાદ તેઓ પોલીસને મળતા ન હતા, માતા દીકરીએ મોબાઈલ પણ બંધ કરી દીધો હતો. આ કેસમાં કોમલ અને કોમલની માતાને શોધવા અત્યંત જરૂરી હતા. જેથી તેમણે ચાર દિવસની સતત દોડધામ પછી ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સથી માતા દીકરીને આજે બપોરે રાજકોટ ભાવનગર હાઈવે પરથી ઝડપી પાડ્યા હતા. બીજી તરફ મૂરજાણીના પત્નીને પોલીસ સ્ટેશન બોલાવી તેમની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: જાણીતા એક્ટિવિસ્ટ પી. વી. મૂરજાણી આપઘાત કેસ: સુસાઇડ નોટ જાહેર થતાં માનીતી દીકરીના ઘરે તાળા
શું છે સમગ્ર ઘટના?
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વાઘોડિયા રોડ ડી માર્ટ પાસે નારાયણ બંગલૉમાં રહેતા પુરુષોત્તમ મૂરજાણી વડોદરામાં ગ્રાહક સુરક્ષાની સંસ્થા વર્ષોથી ચલાવતા હતા. કારેલીબાગ સંગમ ચાર રસ્તા પાસે જાગૃત નાગરિક નામની સંસ્થા ચલાવતા પી. વી. મૂરજાણી સાંજે ઘરે હતા. તેમના પત્ની મંદિરે ગયા હતા. તેમના પત્ની મંદિરેથી પરત ઘરે આવ્યા હતા. લાંબો સમય થવા છતાંય તેઓ ઉપરના માળેથી નીચે નહીં આવતા તેમના પત્ની ઉપરના માળે જોવા ગયા હતા. ઉપર જઈને જોયું તો તેમના પતિ પી. વી. મૂરજાણી લોહીલુહાણ હાલતમાં જમીન પર હતા, જેથી તેમણે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા.
આ બનાવની જાણ પાણીગેટ પોલીસને કરવામાં આવતાં પી.આઇ. એચ. એમ. વ્યાસ ઘટના સ્થળે દોડી ગયા હતા. પી. વી. મૂરજાણીએ પોતાની જ રિવોલ્વરમાંથી જાતે ફાયરિંગ કરી જીવન ટૂંકાવી દીધું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું. જો કે, પી. વી. મૂરજાણીના મોતનું સાચું કારણ જાણવા માટે એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવી હતી. પોલીસને ઘટના સ્થળેથી કોઈ અંતિમ ચિઠ્ઠી મળી ન હતી.
જો કે રાતે 9:52 કલાકે તેમના મોબાઇલના વોટ્સએપ પરથી તેમના મિત્ર વર્તુળમાં સુસાઈડ નોટનો મેસેજ કરાયો હતો. તેમાં તેમણે પોતાની માનેલી દીકરી અને દીકરીની માતાના બ્લેકમેઇલિંગથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
આ મેસેજમાં એવું પણ લખ્યું હતું કે, લાભપાંચમના દિવસે મર્સિડિઝ ખરીદી હતી. તે સમયે માનેલી દીકરી કોમલને લઈ જઈ ફોટા પડાવ્યા હતા. તે પછી કારમાં તેમણે પોતાની પત્નીને બેસાડ્યા હતા. આ વાત પર કોમલે બહુ મોટો ઝઘડો કર્યો હતો અને અને ગાળાગાળી કરીને ધમકી પણ આપી હતી કે, તમે તમારા પત્નીને કેમ કારમાં બેસાડી? હું કારની સીટો ફાડી નાંખીશ, કારની તોડફોડ કરીશ. મૂરજાણીએ સ્યૂસાઇડ નોટમાં આવા અનેક કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો.