Get The App

ઘોડદોડ રોડના જ્વેલર સાથે ઠગાઇ: 2.05 લાખના દાગીના ખરીદી NEFTથી પેમેન્ટનો બોગસ મેસેજ મોકલી છેતરપિંડી

Updated: Jan 8th, 2023


Google NewsGoogle News
ઘોડદોડ રોડના જ્વેલર સાથે ઠગાઇ: 2.05 લાખના દાગીના ખરીદી NEFTથી પેમેન્ટનો બોગસ મેસેજ મોકલી છેતરપિંડી 1 - image




- કડુ અને બ્રેસલેટની ડિલીવરી લીધા બાદ ઉઘરાણી થતા ભેજાબાજે મહિધરપુરાના શ્રીજી કોમ્પ્લેક્ષમાં જવા કહ્યું પણ ત્યાં કોમ્પ્લેક્ષ હતું જ નહી

સુરત
ઘોડદોડ રોડના આર.ડી. જ્વેલર્સમાંથી મોબાઇલ પર ઇન્કવાયરી કરી બારોબાર સોનાનું કડુ અને બ્રેસલેટની ડિલીવરી મેળવી લઇ એનઇએફટીથી રૂ. 2.05 લાખનું પેમેન્ટ કર્યાનો બોગસ મેસેજ બતાવી વિશ્વાસઘાત કરનાર ભેજાબાજ વિરૂધ્ધ ઉમરા પોલીસમાં ફરીયાદ નોંધાય છે.
ઘોડદોડ રોડ સ્થિત ડ્રીમ બિઝનેશ હાઉસમાં આર.ડી. જ્વેલર્સ નામની દુકાનના માલિક ધવલ સુરેશ નાંઢા (ઉ.વ. 27 રહે. અવંતી સોસાયટી, એલ.એચ. રોડ, વરાછા અને મૂળ. શેરડી, માણાવદર, જિ. જૂનાગઢ) ઉપર ચાર દિવસ અગાઉ અજાણ્યા નંબર પરથી પોતાનું નામ સંજય નાકરાણી હોવાની ઓળખ આપી 18 કેરેટમાં સોનાનું કડુ અને બ્રેસલેટની ખરીદી માટે કોલ આવ્યો હતો. ધવલે જુદી-જુદી ડિઝાઇનના મોકલાવેલા ફોટાના આધારે કડુ અને બ્રેસલેટ પસંદ કરી રૂ. 2.05 લાખનું પેમેન્ટ એનઇએફટીથી કર્યાનો વ્હોટ્સએપ મેસેજ મોકલાવ્યો હતો.

ઘોડદોડ રોડના જ્વેલર સાથે ઠગાઇ: 2.05 લાખના દાગીના ખરીદી NEFTથી પેમેન્ટનો બોગસ મેસેજ મોકલી છેતરપિંડી 2 - image

જો કે પેમેન્ટ બેંકમાં ડિપોઝીટ નહીં થતા ધવલે ડિલીવરી આપવાનો ઇન્કાર કર્યો હતો. જો કે સંજયે પેમેન્ટ થોડી વારમાં આવી જશે અને મારે બહારગામ જવું છે, હાલમાં હું મિટીંગમાં છું, મારો માણસ અઠવા ગેટ ગોરસ હોટલ પાસે આવે છે તેને ડિલીવરી આપી દો એમ કહેતા ધવલે દુકાનના કર્મચારીને મોકલાવી કડુ અને બ્રેસલેટની ડિલીવરી આપી દીધી હતી. પરંતુ બીજા દિવસે પણ પેમેન્ટ નહીં મળતા ધવલે કોલ કરી સંજય પાસે ઉઘરાણી કરતા પેમેન્ટના બહાને મહિધરપુરાના શ્રીજી કોમ્પ્લેક્ષમાં મારી ઓફિસે જઇ ભરતકાકાને મળવા કહ્યું હતું. પરંતુ સંજયે જણાવેલા સરનામા ઉપર શ્રીજી કોમ્પ્લેક્ષ હતું નહીં. જેથી ધવલે પુનઃ સંજય નાકરાણીને ફોન કરતા હું ભરતકાકાને તમારી પાસે મોકલાવું છું એમ કહી ફોન બંધ કરી દીધો હતો.


Google NewsGoogle News