બરવાળામાં છાશવારે ઉભરાતી ભૂગર્ભ ગટરથી જનતા ત્રાહિમામ : રોગચાળાની ભીતિ
- સફાઇ માત્ર કાગળ ઉપર : કલેક્ટરનો લોકદરબાર જરૂરી
- શેરીઓ અને રસ્તાઓ પર વહેતા દુર્ગંધયુક્ત પાણીથી રાહદારી અને રહિશો પરેશાન
બરવાળા નગરપાલિકાના નિર્ભર સફાઇ તંત્રના પાપે બરવાળાની જનતા ભારે હેરાન-પરેશાન થઇ રહી છે. છેલ્લા ઘણા સમયથી બરવાળા શહેરમાં ભુગર્ભ ગટરો છલકાઇ રહી છે. શેરીઓમાં અને અનેક બજારોમાં ભુગર્ભ ગટરના ગંદા પાણી રોડ પર ચડી આવે છે જેને કારણે ગંદી તીવ્ર વાસ આવે છે અને ભયંકર રોગચાળો ફેલાઇ જવાનો ડર જનતાને સતાવે છે. નગરજનો દ્વારા બરવાળા નગરપાલિકાના નિંભર તંત્રને વારંવાર ફરિયાદ કરવા છતાં તંત્રના બહેરા કાને આ વાત અથડાઇને કોઇ પરિણામ આવતું નથી જેના કારણે બરવાળાના સત્તાધિશો સામે નગરજનોમાં ભારે આક્રોશ જોવા મળે છે. આ સાથે શહેરમાં ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળે છે. સફાઇના નામે મીંડુ છે. છેલ્લા ઘણા દિવસથી તો ડોર ટુ ડોર કચરો લેવાનું કામ બંધ છે જેને પરિણામે લોકોના ઘરમાં પણ કચરાના ઢગ થયા છે. નગરપાલિકાની ચૂંટાયેલી પાંખ પૈકીના એક પણ સભ્યને બરવાળાની જનતાની સમસ્યાની ચિંતા નથી જેને પરિણામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.'સ્વચ્છ ભારત મિશન'ના રીતસર નગરપાલિકાના શાસકોએ ધજીયા ઉડાવી દીધા છે. બરવાળા શહેર જાણે નક્રાગાર બની ગયું હોય તેવી સ્થિતિ છે. એક તરફ લગ્નની સીઝન છે અને લોકોને બજારો તેમજ શેરીઓમાંથી નાકે રૂમાલ રાખીને નીકળવું પડે છે. બોટાદ જિલ્લા કલેક્ટર જ અંગત રસ લઇ બરવાળાની જનતાને ગંદકીના ત્રાસમાંથી મુક્ત કરે તેવો લોક અવાજ ઉભો થયોે છે.