સુરતના બિસ્માર રસ્તાના મુદ્દે વિપક્ષ પાણીમાં બેઠો પણ જનતામાં આક્રોશ યથાવત : સોશિયલ મિડિયામાં ભાજપના ગ્રુપમાં ઠાલવ્યો લોકોએ બળાપો
Surat BJP Whatsapp Group : સુરત શહેરના બિસ્માર રસ્તા અંગે પાલિકાની સામાન્ય સભામાં વિરોધ પક્ષ પાણીમાં બેસી ગયો હતો. પરંતુ બિસ્માર રસ્તાથી હેરાન લોકો સોશિયલ મીડિયા પર હજી પણ પોતાના આક્રોશ ઠાલવી રહ્યા છે. સુરતના વોર્ડ નંબર 13 ના કોર્પોરેટરોના ફોટા સાથે નવરાત્રી પહેલા શેરી મહોલ્લાના રસ્તા રીપેર કરાવવા ચીમકી આપવામાં આવી છે. કોટ વિસ્તારના શેરી મહો્લલાના રસ્તા નવરાત્રી પહેલા રીપેર કરાવવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. તેની સાથે એવી પણ ચીમકી આપવામાં આવી છે કે, દશેરાના દિવસે રાવણ પુતળા દહન થશે કે કોર્પોરેટરોના?
સુરત શહેરમાં વરસાદ વચ્ચે અનેક રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે. આ રસ્તા રીપેર કરવા માટે તારીખ પે તારીખની જેમ એક પછી એક સુચના આપવામા આવી છે. પાલિકાએ યુદ્ધના ધોરણે કામગીરી કરી રસ્તા રિપેર કરવાનો દાવો પણ કરવામા આવ્યો હતો. પરંતુ ફરી શરૂ થયેલા વરસાદના કારણે પાલિકાની કામગીરી ફરી એક વખત નબળી સાબિત થઈ છે. તેમ છતાં પાલિકાના વિપક્ષે તો મૌન ધારણ કરી લીધું છે પરંતુ લોકોનો રોષ હજી પણ સમતો નથી.
સુરતના કોટ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 13 ના ભાજપના કોર્પોરેટર વોટ્સએપ ગ્રુપમાં ચાર નગર સેવકોના ફોટા સાથે મેસેજ ફરતા થયા તેના કારણે વિવાદ ઉભો થયો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ગણેશ ઉત્સવમાં તો રોડ રસ્તા બન્યા નહીં, હવે નવરાત્રી મહોત્સવ પહેલા શેરી, મહોલ્લામાં રોડ-રસ્તા બનાવડાવો તો આપનો આભાર. દશેરા મહાપર્વએ રાવણના પૂતળાનું દહન થશે કે પછી કોર્પોરેટોરના પૂતળાનું દહન એવું લખવામાં આવ્યું છે.
આ ઉપરાંત આ ગ્રુપમાં કોર્પોરેટરો એક માસથી દેખાતા ન હોવાની, કોર્પોરેટરોનું અધિકારી સામે કંઇ ઉપજતું નથી, લોકો સુરતી સંભળાવે છે, હવે સહન થતું નથી-કંઇ કરો રોડ-રસ્તાનું.... જેવા ભાજપના કાર્યકરોને દયનીય સ્થિતિ છે તે આ મેસેજ પુરવાર કરી રહ્યા છે. સેન્ટ્રલ ઝોન વિસ્તારના તમામ વોર્ડ જર્જરીત રોડની સ્થિતિમાં છેલ્લા બે માસ દરમિયાન પાલિકાના કમિશનર અને મેયર સહિતના પદાધિકારીઓ દાવા વચ્ચે પણ ખાસ કોઇ ફરક પડ્યો નથી. વોર્ડ વિસ્તારમાં કાર્યકરો અને મતદારોનો સામનો ભાજપના કોર્પોરેટરો કરી શકતા નથી અને મનપા કમિશનર કે અધિકારીઓ સમક્ષ સામાન્ય સભામાં રજૂઆત કરવાની તક પણ શિસ્તબદ્ધ પાર્ટી સુચનાને કારણે મળતી નથી. આમ ભાજપના કોર્પોરેટરો માટે એક તરફ ખાઈ અને એક તરફ કુવા જેવો ઘાટ થયો છે. જો આ રસ્તા હવે રીપેર નહીં થાય તો ભાજપના નગરસેવકની હાલત કફોડી થાય અને લોકો વચ્ચે જવામાં મુશ્કેલી પડે તેવી શક્યતા નકારી શકાતી નથી.