વડોદરામાં રસ્તા પરના પેપર બ્લોક સારી સ્થિતિમાં હોવા છતાં કાઢીને નવા ફીટ કરવામાં પ્રજાકીય નાણાંનો દુરુપયોગ
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રજાના વેરાના નાણાનો દૂરૂપયોગ થતો હોવાના આક્ષેપો અવારનવાર ઉઠતા રહ્યા છે. ખાસ તો રોડના ફૂટપાથ પર જે પેવર બ્લોક બેસાડવામાં આવેલા હોય છે તે સારા હોવા છતાં પણ કાઢીને નવા ફીટ કરવામાં આવે છે, અને કાઢી નાખેલા પેવર બ્લોક ખુલ્લા મેદાનોમાં ઢગલા કરીને વેસ્ટેજ તરીકે ઠાલવી દેવામાં આવે છે.
હાલ નવલખી મેદાન અને હરણી વિસ્તારનું મેદાન કાઢી નાખેલા પેવર બ્લોક ઠાલવવાનું ડમ્પિંગ યાર્ડ બની ગયું હોય તેવું જણાઈ રહ્યું છે. કોર્પોરેશનની સભાઓમાં પણ સભાસદો દ્વારા આ મુદ્દા ઉઠતા રહ્યા છે કે સારા કહી શકાય તેવા પેવર બ્લોક કાઢીને નવા ફીટ કરવામાં નાણાકીય બગાડ થાય છે. જો કે કોર્પોરેશનના તંત્રનું કહેવું એવું છે કે આ કાઢી નાખેલા બ્લોકનો અન્ય સ્થળે રી-યુઝ કરવામાં આવે છે. દરમિયાન સામાજિક કાર્યકરના કહેવા મુજબ તાજેતરમાં વડાપ્રધાન વડોદરા આવવાના હતા ત્યારે શહેરને સુશોભિત કરવાની જે કામગીરી કરવામાં આવી હતી તેમાં રોડ અને ફૂટપાથોને પણ નવેસરથી બનાવાઈ હતી. ખોડીયાર નગર વિસ્તારમાં થોડાક મહિના પહેલા જ ફીટ કરવામાં આવેલા પેવર બ્લોક કાઢીને લેવલ ઊંચું કરી નવા બેસાડવામાં આવેલા છે, અને જુના પેવર બ્લોક હરણી ખાતેના મેદાનમાં ઠાલવી દીધા છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ફરી પેવર બ્લોકના વર્ક ઓર્ડર અપાય છે ત્યારે જુના પેવર બ્લોક ફીટ કરી દેવામાં આવે છે.