ચિત્રાવડ ગીરમાં આજે ઈકોઝોનના કાળા કાયદાના વિરોધમાં જનસભા
તાલાલા પંથકને જંગલ ખાતાંના હવાલે થતો બચાવવા માગણીઃ ચિત્રાવડ, સાંગોદ્રા, હિરણવેલ, ભાલછેલ, હરિપુર, ચિત્રોડ, ભોજદે, બોરવાવ, રમળેચી, ધણેજ વગેરે 15 ગામોનાં લોકો ઉમટશે
તાલાલા, : તાલાલા પંથકને સંપૂર્ણ જંગલખાતાના હવાલે કરવા સરકાર દ્વારા લાવવામાં આવી રહેલ ઈકો સેન્સિટીવ ઝોનનાં કાળા કાયદા સામે તાલાલા પંથકમાં શરૂ થયેલ લડતમાં દિવસે દિવસે વધારો થતો જાય છે. તાલાલા પંથકમાં છેલ્લા દોઢ માસ દરમિયાન રેલી, સંમેલન, ખાટલા બેઠકો વિગેરે જનજાગૃતિ કાર્યક્રમ બાદ ઇકો ઝોનના કાળા કાયદા સામેની લોક લડત વધુ મજબૂત કરવા જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તાલાલા તાલુકાના ચિત્રાવડ ગીર ગામે તા.૦૯ મી શનિવારે સાંજે ૬.૩૦ કલાકે ડાયમંડ હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં વિશાળ જનસભા યોજાશે.
ઇકો ઝોનના કાળા કાયદા સામે લડત ચલાવતા પ્રવિણ રામ તથા આ કાયદા સામે લડત ચલાવતા વિવિધ ગામની સમિતિના અગ્રણીઓ આયોજિત આ જનસભામાં ચિત્રાવડ ગીર ઉપરાંત હિરણવેલ ગીર,ચિત્રોડ ગીર,સાંગોદ્રા ગીર,હરિપુર ગીર,બોરવાવ ગીર,ભોજદે ગીર,રમળેચી ગીર,ધણેજ વિગેરે ૧૫ ગામના લોકો આ જનસભામાં ભાગ લેશે.
તાલાલા પંથકમાં ઇકો સેન્સિટીવ ઝોન લાગુ થતા જંગલ ખાતાની તાનાશાહી બેકાબૂ બની જશે. આખો પંથક જંગલ ખાતાને હવાલે થતો બચાવવા આ જનસભામાં માંગણી કરવામાં આવશે.
તાલાલા વિસ્તારના છેવાડાના લોકો છડે ચોક આક્ષેપ કરી રહ્યા છે કે તાલાલા પંથકની પ્રજા તથા ખેડૂતોને જન પ્રતિનિધિઓએ નોંધારી મૂકી દીધી હોવાથી ઈકો ઝોનના કાળા કાયદા સામે લોક લડત ગ્રામીણ પ્રજા તથા ખેડૂતો સ્વયંભૂ લડી રહ્યા છે. ઈકો ઝોનનો કાળો કાયદો પાછો ખેંચવા જ્યાં સુધી સરકાર મજબુર બનશે નહીં ત્યાં સુધી આ લોક લડત ચાલુ રાખવા લોકોએ મક્કમ બની ગયા હોવાનું વિવિધ ગામના અગ્રણીઓએ જણાવ્યું હતું.