શાકભાજીના વેપારીઓ વચ્ચે જાહેરમાં લાકડીઓથી મારામારી ઃ ત્રણને ઇજા
સયાજીપુરા શાક માર્કેટમાં થયેલા ઝઘડાની અદાવતે એકબીજા પર હુમલો ઃ બંને પક્ષોની ફરિયાદ
વડોદરા, તા.1 માંજલપુર વિસ્તારમાં જ્યુપીટર ચાર રસ્તા પાસે શાકભાજીના વેપારીઓ વચ્ચે જાહેરમાં લાકડીઓથી મારામારી થઇ હતી. આ હુમલામાં ત્રણ વ્યક્તિને ઇજા થઇ હતી.
જ્યુપીટર ચાર રસ્તા પાસે મારૃતીધામ સોસાયટીમાં લાલસીભાઇના મકાનમાં રહેતા રામવિલાસ નંદકિશોર સક્સેનાએ વડસર બ્રિજની પાસે રઝા મસ્જિદ પાસે રહેતા અમાનતહુસેન ઉર્ફે પપ્પુ બીલાયતહુસેન શેખ તેમજ તેના બે પુત્રો સલમાન અને રિયાન સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું શાકભાજીનો વેપાર કરું છું. સવારે ટેમ્પો લઇને સયાજીપુરા માર્કેટમાં શાકભાજી લેવા ગયા હતાં ત્યારે શાકભાજીનો ટેમ્પો રિવર્સ લેતા પાછળ અમાનતહુસેને મૂકેલા શાકભાજી પર ટેમ્પાનું વ્હીલ ફરી વળ્યું હતું જેથી તે સમયે ઝઘડો થતાં સમાધાન કર્યું હતું પરંતુ ત્યારબાદ વડસર બ્રિજની જ્યુપીટર જવાના રોડ પર રઝા મસ્જિદ પાસેથી હું પસાર થતો હતો ત્યારે મને રોકી અમારી સાથે કેમ ઝઘડો કર્યો હતો તેમ કહી લાકડીઓથી માર મારતા મારા ભાઇ રામનિવાસ તેમજ મોહિતને ઇજા થઇ હતી.
સામા પક્ષે અમાનતહુસેન શેખે રામવિલાસ નંદકિશોર સક્સેના, રામનિવાસ નંદકિશોર સક્સેના, રાહુલ નંદકિશોર સક્સેના તેમજ મોહિત સુરેન્દ્રસિંગ સક્સેના સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સયાજીપુરા શાકમાર્કેટમાં ઝઘડો થયા બાદ સમાધાન થયું હતું. બાદમાં હું અને મારા બે પુત્રો શાકભાજીની લારી લઇને નીકળ્યા હતા ત્યારે રોકી જણાવેલ કે માર્કેટમાં અમારી સાથે ઝઘડો કેમ કર્યો તેમ કહી લાકડીઓથી હુમલો કરી માર માર્યો હતો.