નવરાત્રી પછી હવે દિવાળીમાં વરસાદની ચિંતા : વડોદરામાં ફટાકડાના વેચાણ અંગે હંગામી ધોરણે સ્ટોલની જગ્યા ફાળવવા માટે જાહેર હરાજી કરાશે
Vadodara Corporation : આગામી દિવાળીના તહેવારોને હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારમાં ફટાકડાના વેચાણ માટે હંગામી ધોરણે સ્ટોલ માટેની જગ્યા હંગામી ધોરણે પાલિકા દ્વારા અપાશે.
ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષના અંતિમ દિવસે દિવાળી અને નવા વર્ષના તહેવારો નિમિત્તે પાલિકા દ્વારા હંગામી ધોરણે ફટાકડાના વેચાણ માટે સ્ટોલની જગ્યા અંગે આગામી તા.1 ઓક્ટોબરે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં જાહેર હરાજીમાં ભાગ લેવા અંગે ડિપોઝિટની રોકડ રકમ રૂપિયા 50 હજાર અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે ભરવા જણાવાયું છે. પ્લોટ દીઠ ડિપોઝિટની રકમ ફાઈનલ પ્લોટ નંબર જગ્યાની વિગતો હરાજીની શરતો અને મિનિમમ અપસેટ વેલ્યુ ની વિગત તથા ફાળવણીની જુદી-જુદી શરતો પાલિકાની ખંડેરાવ માર્કેટ સ્થિત જમીન મિલકત શાખા રૂમ નં. 203માંથી સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધીમાંથી મેળવી શકાશે. આ ઉપરાંત વડોદરા મહાનગર પાલિકાની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. કોઈપણ ફાઇનલ પ્લોટની જગ્યા માટે બોલાયેલી બોલીની રકમ માન્ય રાખવી કે નહીં તેનો આખરી નિર્ણય મ્યુનિસિપલ કમિશનરનો રહેશે. આ અંગે કોઈ વાદ-વિવાદ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં એમ સ્પષ્ટ જણાવાયું છે.
દિવાળી-નવા વર્ષના તહેવારોને એક મહિનાથી પણ ઓછો સમય છે ત્યારે ફટાકડાના વેચાણ અંગે હંગામી ધોરણે ટોલની જગ્યા ફાળવવા માટે જાહેર હરાજી કરાશે. ચોમાસાની ઋતુ દરમિયાન વડોદરામાં માનવસર્જિત પૂર બે વખત આવી ગયું છે. આ બંને પૂરથી સમગ્ર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને શહેરીજનો ચાર-પાંચ દિવસ સુધી પૂરના પાણી અને ત્યારબાદ કાદવ કિચડથી હેરાન પરેશાન થઈ ગયા હતા. આ ઉપરાંત બે દિવસ અગાઉ પણ ભારે વરસાદી ઝાપટું આવી ગયું હતું. ત્યારબાદ ગઈ રાત્રે પણ 110 કિ.મી. ની ઝડપ સાથે તોફાની વાવાઝોડા સહિત બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ રાત્રે ખાબક્યો હતો. આ સાથે નવરાત્રીમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વડોદરા માટે સેવાઈ રહી છે ત્યારે ફટાકડાના વેપારીઓ ધંધો કરવો કે કેમ એ અંગે દ્વિધામાં છે. વેચાણ દરમિયાન એક પણ વખત જો વરસાદ પડે અને ફટાકડાને હવા લાગી જાય તો સમગ્ર માલ પાણીના ભાવે વેચવો પડે તેવી સ્થિતિ સર્જાય જાય છે અને ગ્રાહકો પણ વરસાદથી ફટાકડા ફૂટવા લાયક રહેતા નથી એવું સમજે છે. પરિણામે વેપારીઓ ફટાકડાના વેપાર અંગે પાલિકાના પ્લોટ માટે હરાજીમાં ભાગ લેવો કે કેમ એ અંગે ભારે વિમાસણમાં પડ્યા છે. એક તરફ હજી વરસાદની આગાહી અને બીજી તરફ પાલિકાની ડિપોઝિટ ઉપરાંત ફટાકડાનો માલ મંગાવવો કે કેમ એ અંગે ઘનિષ્ઠ વિચાર કરી રહ્યા છે.