Get The App

ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન શરુ, 'કરાર આધારિત ભરતી બંધ કરો, કાયમી ભરતી કરો'

Updated: Mar 18th, 2025


Google News
Google News
ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન શરુ, 'કરાર આધારિત ભરતી બંધ કરો, કાયમી ભરતી કરો' 1 - image


Physical Education Teachers Protest: ગુજરાત રાજ્યમાં કરાર આધારિત વ્યાયામ શિક્ષકની ભરતી બંધ થાય અને કાયમી વ્યાયામ શિક્ષકોની સત્વરે ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે 400થી વધુ વ્યાયામ શિક્ષકોએ વહેલી સવારથી ગાંધીનગરના રામકથા મેદાનમાં ધામા નાખ્યા છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં ન આવતા વ્યાયામ શિક્ષકો મેદાને ઉતર્યા છે. 

ઉનાળાના ધોમધખતા તડકામાં વ્યાયમ શિક્ષકો આંદોલન ઉપર બેઠા છે અને વધુમાં વધુ વ્યાયામ વીરોને જોડાવવાની અપીલ કરવામાં આવી છે. વ્યાયામ શિક્ષકોના આંદોલનને યુવરાજ સિંહ જાડેજા , જીગ્નેશ મેવાણી, અમિત ચાવડા સહિતના નેતાઓએ સમર્થન આપી તેમની સાથે જોડાયા છે. હાલ પોલીસની ગાડીઓનો કાફલો આંદોલન સ્થળે પહોંચી ગયો છે અને વ્યાયમ શિક્ષકોની અટકાયતનો દોર શરુ કર્યો છે. આંદોલનકારીઓને નેતાઓ દ્વારા શિસ્ત અને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે. આ આંદોલન આવતીકાલે એટલે કે 19 માર્ચ 2025ના રોજ પણ ચાલુ રહેશે. 

આ પણ વાંચો: વડોદરામાં NSUI દ્વારા ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માગ સાથે ચક્કાજામ, ટીંગાટોળી કરી 10ની અટકાયત

ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન શરુ, 'કરાર આધારિત ભરતી બંધ કરો, કાયમી ભરતી કરો' 2 - image

ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન શરુ, 'કરાર આધારિત ભરતી બંધ કરો, કાયમી ભરતી કરો' 3 - image

ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન શરુ, 'કરાર આધારિત ભરતી બંધ કરો, કાયમી ભરતી કરો' 4 - image

ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન શરુ, 'કરાર આધારિત ભરતી બંધ કરો, કાયમી ભરતી કરો' 5 - image

શું છે વ્યાયામ શિક્ષકોની માંગણી

• ગુજરાત રાજ્યમાં  છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવી નથી. જેથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે.

• રાજ્યમાં વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કરવામાં આવે છે. એ પણ રાજ્યમાં રોસ્ટર પ્રમાણે ખાલી જગ્યાઓ છે, તેના કરતાં ખૂબ ઓછી સંખ્યામાં કરવામાં આવે છે. રાજ્યમાં ધોરણ 1થી 8મા વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં જ આવતી નથી. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પણ કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે.

•  રાજ્યમાં રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા જે ખેલ અભિરુચિ કસોટી (SAT) લેવામાં આવી છે, તેને માન્ય ગણીને તે પરીક્ષા ઉપર કાયમી ભરતી કરવામાં આવે.

• રાજ્યમાં ખેલ અભિરુચિ કસોટી જ્યારે લેવાની હતી, ત્યારે રાજ્યમાં સરકારે લગભગ 5,075 જેટલી વ્યાયામ શિક્ષકોની ખાલી જગ્યાઓ બતાવી હતી. તે તમામ જગ્યાઓ ઉપર કાયમી ભરતી કરવામાં આવે.

•  રાજ્યમાં વ્યાયામ શિક્ષકની 15 વર્ષથી ભરતી કરી નથી તો તેને ધ્યાનમાં રાખીને નવો જી.આર. નવું માળખું રચવામાં આવે અને સત્વરે કાયમી વ્યાયામ શિક્ષકની ભરતીનું જાહેરનામું બહાર પાડવામાં આવે.

ગુજરાત રાજ્યના તમામ વ્યાયામ શિક્ષકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો, ખેલ સહાયકો, વ્યાયામ શિક્ષકની ભરતીની રાહ જોઈને બેઠેલા એવા તમામ ઉમેદવાર સરકાર પાસે વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી ઉપર જણાવ્યા અનુસાર થાય અને કરાર આધારિત ભરતી બંધ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીની જગ્યાએ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ NEP 20 અને RTE 2009ની જોગવાઈ મુજબ વ્યાયામ શિક્ષક અને શારીરિક શિક્ષણને ફરજિયાત સ્થાન આપવામાં આવ્યું છે. 

એ ધ્યાને લઈ ગુજરાત સરકાર પાસે શિક્ષણ વિભાગનો નીતિવિષયક સ્વતંત્ર હવાલો હોય, ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનું નામ ભારત તેમજ વિશ્વમાં ઊંચું કરે તેવા ભવિષ્યના રમતવીરો, ખેલાડીઓ તૈયાર થાય. બાળકના સર્વાગી તન-મનના વિકાસ માટે નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિને આધારે આ વિષયને પૂર્ણકાલીન ગણી અને SAT પરીક્ષાને વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માટેની લાયકાત ગણી ભરતી કરવામાં આવે. 


Tags :
Physical-EducationTeachersrecruitmentGandhinagar

Google News
Google News