વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનના PSIએ રિક્ષા ચાલકને ઢોર માર માર્યો
Vadodara Police : થોડા મહિલા પહેલા સયાજીગંજ પોલીસ સ્ટેશનના ત્રણ કર્મચારીઓ આમલેટની લારીવાળા યુવકને ઢોર મારમારીને કાર સાથે રોડ પર ઘસેડ્યો હતો. જેમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ત્રણેની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા. ત્યારબાદ ફરી સયાજીગંજના પીએસઆઇ ખુમાન દ્વારા એક રિક્ષા ચાલકોને બેલ્ટથી ઢોર માર મારતા તેને ગંભીર હાલતમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.
મૂળ ગોરવા વિસ્તારના અને હાલમાં તાંદલજા વિસ્તામાં મકાન ભાડે રાખે રહેતા મોસીન શબ્બીર શેખ રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજાર ચલાવે છે. યુવક સયાજીગંજ વિસ્તારમાં રેલવે સ્ટેશનના ગેટ નંબર 1 પાસે રિક્ષા રાખી ઉભો હતો. તે દરમિયાન રાત્રીના એક વાગ્યાના અરસામાં સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.પી.ખુમાન ત્યાં આવ્યા હતા અને રિક્ષા ચાલકને બીભત્સ ગાળો આપીને ત્યાં માર માર્યો હતો. ત્યારબાદ યુવક રિક્ષા સાથે તેને પોલીસ સ્ટેશમાં લઇ જવાયો હતો અને ત્યાં પણ એક રૂમમાં બેલ્ટથી ઢોર માર માર્યો હતો. ત્યારબાદ રિક્ષા પણ ડિટેઇન કરી લીધી હતી. યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે યુવક દ્વારા ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ત્રણ પોલીસ કર્મચારીઓ દ્વારા પણ એક આમલેટની લારી ચલાવતા યુવકને માર મારી કાર સાથે રોડ પર ઘસેડ્યો હતો. જેમાં ઉચ્ચ અધિકારી દ્વારા ત્રણ સામે ગુનો નોંધી જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે.