PSIને સરાજાહેર બેફામ ગાળો, જમાદારનો કોલર પકડી ધક્કો મારી દીધો
- રાજકોટમાં પોલીસની આબરૂના ધજાગરા ઉડાડતી ઘટના
- રાત્રી કર્ફયુનો ભંગ કરી નશાખોર હાલતમાં પાંચ આરોપીઓની પોલીસ સાથે ગુંડાગીરી
મુખ્ય આરોપી વિક્રમ રાઠોડ પડધરી તાલુકા પંચાયતનો કોંગ્રેસનો પૂર્વ પ્રમુખ, બીજો આરોપી નામચીન બલી ડાંગરનો સાગરીત રહી ચૂકયો છે
આ ઘટના સાથે જ પોલીસની આબરૂના ધજાગરા ઉડયા છે. માથાભારે શખ્સો કેટલા બેફામ થઈ ગયા છે તેનો પોલીસને જ ગઈકાલે રાત્રે અહેસાસ થઈ ગયો હતો. જો આવા માથાભારે શખ્સો પોલીસને પણ ન ગાંઠતા હોય તો સામાન્ય લોકોની હાલત કેવી હશે તેની કલ્પના કરવી મુશ્કેલ નથી.
પોલીસ સાથે માથાકુટ કરનારાઓમાં મુખ્યત્વે આરોપી વિક્રમ અજીતસિંહ રાઠોડ પડધરીના આણંદપરબાઘી ગામે રહે છે. તે પડધરી તાલુકા પંચાયતનો કોંગ્રેસનો પૂર્વ પ્રમુખ છે. તેની સાથે નામચીન બલી ડાંગરના સાગરીત રહી ચુકેલા રામદેવ લક્ષમણ ડાંગર (ઉ.વ.૩૪, રહે. શ્રીરામ પાર્ક, કુવાડવા રોડ), ગોવિંદ પોપટ રાજપરા (ઉ.વ.૪ર), નિરલ અજીત પરમાર (ઉ.વ.ર૬, રહે. બંને આણંદપર બાઘી, તા.પડધરી), અજયરાજસિંહ વનરાજસિંહ ચુડાસમા (ઉ.વ.ર૭, રહે. પરાશર પાર્ક-૧, જામનગર રોડ) ની ધરપકડ કરવામાં આવી હતી. આ પાંચેય આરોપીઓને આજે કોર્ટમાં રજુ કરાતા જેલહવાલે કરવામાં આવ્યા હતા.
ગઈકાલે રાત્રે બી-ડીવીઝન પોલીસનો સ્ટાફ કુવાડવા રોડના ડીમાર્ટ પાસે ડેરા તંબુ તાણી રાત્રી કર્ફયુની અમલવારી કરાવતો હતો ત્યારે કાળા કલરની ર્સ્કોપીયો સર્પાકારે નિકળતા તેને અટકાવતા તેમાંથી પાંચેય આરોપીઓ નશાખોર હાલતમાં મળી આવ્યા હતા. આ તમામ આરોપીઓની અટકાયતની કાર્યવાહી ચાલુ હતી ત્યારે આરોપી વિક્રમ રાઠોડે પોલીસને તમે મને પકડી શકો નહીં, જોઉ છું તમે મને કેમ પકડો છો તેમ કહીં પીએસઆઈ બી.બી.કોડીયાતર સાથે અસભ્ય વર્તન કરી ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું.
એટલુ જ નહીં મોબાઈલ કાઢી હું એક ફોન કરીને અત્યારે જ બધા પોલીસવાળાના પટ્ટા ઉતરાવી દઈશ તેવી મારી હેસીયત છે, તમે મને ઓળખો છો ? તેમ કહીં તમામ પોલીસ સ્ટાફ સાથે સરાજાહેર અસભ્ય વર્તન કર્યા બાદ ઝપાઝપી પણ કરી જમાદાર અજય જીવકુભાઈ બસીયાનો શર્ટ ફાડી નાખી, તેને ધક્કો મારી પછાડી દીધો હતો.
આ સાથે જ પીએસઆઈ કોડીયાતર અન્ય પોલીસમેનો નિરવ વિઠ્ઠલભાઈ વઘાસીયા, જયદિપસિંહ અજીતસિંહ બોરાણા વચ્ચે પડતા તેમની સાથે પણ ઝપાઝપી કરી બેફામ ગાળો ભાંડી હતી. સાથોસાથ આરોપી વિક્રમે પોલીસની ગાડીમાં બેસવાનો પણ ઈન્કાર કરતા પોલીસે બળપ્રયોગ કરી બેસાડવો પડયો હતો. પોલીસે જણાવ્યું કે તમામ આરોપીઓને કાયદાનું ભાન કરાવાયું છે. આરોપીઓ અમદાવાદ તરફથી દારૂની મહેફીલ માંડી આવી રહ્યા હતા.
પોલીસ મથકમાં પણ ધમાલ પોલીસનો કાંઠલો પકડી લીધો
ફરીયાદ મુજબ આરોપીઓએ પોલીસ સ્ટેશનમાં પણ અસભ્ય વર્તન કરી, પોલીસ સાથે ઝઘડો, માથાકુટ અને ધક્કા-મુક્કી કરી હતી. એટલુ જ નહીં કોન્સ્ટેબલ નિરલનો કોર્લર પકડી તેને ધક્કો મારી દીધો હતો. અન્ય આરોપીઓએ પણ પોલીસ સ્ટાફ સાથે ધક્કા-મુક્કી કરી ફરીથી પોલીસને પટ્ટા ઉતરાવી નાખવાની ધમકી આપી હતી.