ગુજરાતમાં બુટલેગરો બેખૌફ: દારૂ ભરેલી કારનો પીછો કરતી પોલીસ જીપને ટ્રેલરે મારી ટક્કર, PSIનું મોત
Surendranagar News : હાલમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. ત્યારે ડ્રાય સ્ટેટ તરીકે ઓળખતા ગુજરાતમાં બુટલેગરો બેખૌફ બની ગયા છે. રાજ્યમાં રોજેરોજ લાખોનો દારૂ અને ડ્રગ્સ પકડાવું સામાન્ય બની ગયા છે. આઘાતજનક વાત એ છે કે, બુટલેગરો વિરુદ્ધ કડક હાથે કામ લેતી પોલીસ પર પણ અવારનવાર હુમલાના સમાચાર સામે આવે છે. ત્યારે સોમવારે મોડી રાત્રે સુરેન્દ્રનગર દસાડા નજીક દારૂ ભરેલી ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ટ્રેલરે ટક્કર મારતાં એક પી.એસ.આઇને ગંભીર ઇજાઓ પહોંચતાં મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં હાહાકાર મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ટીમના પી.એસ.આઇ. જાવેદ એમ. પઠાણ અને બે કોન્સ્ટેબલની ટીમને બાતમી મળી હતી કે, દસાડાના એક ચોક્કસ રસ્તા પર દારૂ ભરેલી કાર નીકળવાની છે. આ બાતમીના આધારે તેઓ પોતાની ટીમ સાથે રાત્રે 2:30 વાગ્યા આસપાસ વૉચ ગોઠવીને દારૂ ભરેલી કાર પકડવા નીકળ્યા હતા. આ દરમિયાન પાટડી દસાડા તરફ જતા માર્ગ પરથી પસાર થતાં એક અજાણ્યા ટ્રક ચાલકે તેમની કારને અડફેટે લઈ લીધી હતી.
આ પણ વાંચો: અમરેલી- જાફરાબાદ નજીક સિંહણે 7 વર્ષની બાળકીનો કર્યો શિકાર, ગ્રામજનોમાં ફફડાટ
SMCના જાંબાજ PSIને અપાઈ માનભેર વિદાઈ
PSI જે.એમ. પઠાણને સન્માનભેર વિદાઈ આપવામાં આવી છે. તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. આ દરમિયાન SMCના DIG નિર્લિપ્ત રાય, DySP કામરિયા અને અમદાવાદ શહેર JCP અજય ચૌધરી હાજર રહ્યા હતા. અધિકારીઓની હાજરીમાં જનાજાની નમાજ પઢાઈ હતી.
સ્થાનિક પોલીસ નિષ્ક્રિય હોય ત્યારે જ SMC દ્વારા કાર્યવાહી કરાય છે
આ ટક્કર એટલી ભયંકર હતી કે અકસ્માતમાં પી.એસ.આઇ. જાવેદ પઠાણનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓને બહાર કાઢીને વિરમગામની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અંગે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આ તપાસ કઈ દિશામાં જોવું એ રસપ્રદ બની રહેશે કારણ કે, સ્થાનિક પોલીસ નિષ્ક્રિય હોય ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ પ્રકારની કાર્યવાહી કરવાની ફરજ પડતી હોય છે.
નોંધનીય છે કે, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી X પર ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.