યુનિ.માં કુલપતિનાં કાર્યાલયને તાળાબંધી દેખાવો, સૂત્રોચ્ચાર સાથે આવેદન અપાયું
પીએચડીની પ્રવેશ પરીક્ષા પાસ કરનારા જૂના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા મુદ્દે
ગાઈડ નહીં ફાળવાતાં જે વિદ્યાર્થીઓ પીએચડી કરી નથી શક્યા તેમને પ્રવેશની તક આપવા માંગ ઃ પીેચડી પ્રવેશ પરીક્ષામાં યુનિ.ની વિસંગત નીતિ - રીતિ સામે ભારે વિરોધ
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા જીકાસ પોર્ટલ ઉપર આ વર્ષે અરજી કરનાર નેટ સ્લેટની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને જ પીએચડીમાં એડમિશન આપવામાં આવ્યા બાદ ૮૦ ટકા બેઠકો ખાલી રહી છે. આ બેઠકો ઉપર અગાઉ નેટ સ્લેટની પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને એડમિશન આપવા માટે બીજો રાઉન્ડ ગોઠવવામાં આવ્યો છે. અલબત યુનિ. દ્વારા અગાઉ પીએચડીની પ્રવેશ પરીક્ષા જે ઉમેદવારોએ પાસ કરી છે તેવા ઉમેદવારોને ગાઈડ નહી ફાળવાતા હજુ કેટલાય ઉમેદવારોપીએચડી કરી શક્યા નથી. આ ઉમેદવારોને પીએચડી પ્રળેશના બીજા રાઉન્ડમાં સમાવી લેવા જોઈએ તેવી માંગ સાથે આજરોજ કોંગ્રેસના વિદ્યાર્થી કાર્યકરો યુનિ. કેમ્પસમાં ધસી ગયા હતાં. વિદ્યાર્થીઓએ યુનિ.ની પીએચડી પ્રવેશ પરીક્ષાની અન્યાયી નીતિનો વિરોધ કરી હલ્લાબોલના કાર્યક્રમ સાથે કુલપતિની ચેમ્બરને તાળા બંધી કરી વિરોધ દર્શાવ્યો હતો. ઘેરાવ બાદ કુલપતિને આવેદનપત્ર આપી પીએચડીની પ્રવેશ પધ્ધતિમાં સુધારો કરવાની માંગ સાથે પીએચડીની પ્રવેશ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને પણ બીજા રાઉન્ડની એડમિશન પ્રક્રિયામાં સામેલ કરવા જોઈએ તેવી રજુઆત કરી હતી. પીએચડી પ્રવેશ પરીક્ષા સંદર્ભે કમીટીના સુત્રોએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિ.માં પીએચડી પ્રવેશ પરીક્ષાના મુદ્દે ત્રણ પ્રકારની નીતિ અપનાવવામાં આવી છે. એક વખત પીએચડી પરીક્ષા પાસ કરનારને લાઈફ ટાઈમ વેલીડીટીની સુવિધા અપાઈ હતી. બીજી વખત પ્રવેશ પરીક્ષા પાસ કરનારનું પ્રમાણપત્ર ત્રણ વર્ષ માટે જયારે એક વખત માત્ર એક જ વર્ષ માટે પ્રમાણિત હોવાનું જાહેર કરાયું હતું. ત્રણ વર્ષ સુધી જે પ્રમાણપત્રમાન્ય હતુ તેની મુદત ગયા વર્ષે પુરી થઈ ગઈ છે. આ પ્રકારની વિસંગતતાને લીધે તેમજ જરૂરી રેકર્ડ ઉપલબ્ધ નહી હોવાથી પીએચડી પરીક્ષા પાસ કરનારા જુના ઉમેદવારોને કઈ રીતે આ વર્ષે પ્રવેશ માટે ગ્રાહ્ય રાખી શકાય? તે મુદ્દો ચર્ચાસ્પદ બની રહ્યો છે