'ખેડૂતો વન વિભાગના ગુલામ બની જશે'.., જૂનાગઢમાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ, ભાજપના નેતાઓની સરકાર સામે ગર્જના
Eco Sensitive Zone Junagadh: ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો વધુને વધુ સળગતો બની રહ્યો છે. સરકારને ઇકો ઝોન મુદ્દે મુશ્કેલી ઊભી થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઇફકોના ચેરમેન અને ભાજપના નેતા દિલીપ સંઘાણી ખુલ્લીને મેદાનમાં આવ્યા છે. તેમણે ઇકો ઝોન મુદ્દે વનતંત્રને આડે હાથ લીધા છે અને દરેક જન પ્રતિનિધિઓને ગામેગામથી વિરોધ કરવા આહ્વાન કર્યુ છે. ભાજપના જ નેતા હર્ષદ રિબડીયાએ ઇકો ઝોનના કારણે ખેડૂતો વન વિભાગના ગુલામ બની જશે તેવી ભીતિ દાખવી, તો ભારતીય કિસાન સંઘે પણ ખેડૂતો માટે આંદોલનની તૈયારીઓ કરી છે. તો બીજી તરફ ખેડૂતો, ગ્રામ પંચાયતો, ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે બાંયો ચઢાવી છે.
નિર્ણય પરત ખેંચવા સરકાર પર સહિયારૂં દબાણ
અમરેલી, જૂનાગઢ અને ગીર-સોમનાથ જીલ્લાના 11 તાલુકાના 196 ગામને ઇકો સેન્સિટિવ ઝોન હેઠળ સમાવેશ કરવા માટે ડ્રાફ્ટ નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઇકો ઝોન લાગુ થયા બાદ ખેડૂતો અને ગીરના ગામડાઓને ખૂબ મોટી મુશ્કેલી સર્જાય તેમ હોવાનો ભાજપના જ નેતાઓનો સૂર છે. જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખે ઇકો ઝોન રદ કરવા માંગણી કરી છે.
ઇકો ઝોન રદ કરવા 196 ગ્રામ પંચાયતોનો સામૂહિક ઠરાવ
કેન્દ્ર સરકાર દ્વારા ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય, પાણીયા, મિતીયાળાની ફરતી તરફ ઇકો સેન્સિટીવ ઝોન જાહેર કરવાની ગતિવિધીઓ ચાલી રહી છે, જેમાં ત્રણ જિલ્લાના 11 તાલુકાના 196 ગામનો સમાવેશ થવાનો છે. આ તમામ ગામમાં આજે એકીસાથે ઇકો સેન્સિટિવ ઝોનને રદ કરવાની માંગણી સાથેના ઠરાવ ગ્રામ સભાઓમાં કરવામાં આવ્યા છે. આટલો મોટો વિરોધ આઝાદી બાદ કદાચ પ્રથમવાર જ થયો હશે. ગ્રામસભાઓમાં એકીસાથે ઠરાવ થતાં સરકાર અને વન વિભાગમાં અંદરખાને ભારે દોડધામ મચી ગઈ છે.
ઇકો સેન્સિટીવ ઝોન લાગુ કરવા માટે જાહેરનામું બહાર પાડવાની સાથે જ ગીર પંથકમાં વિરોધનો સૂર ઉઠવા માંડ્યો હતો. ગામડાના લોકો વન વિભાગની નીતિ-રીતિથી ત્રસ્ત બની ગયા છે. ઇકો ઝોનનો વિરોધ ઉગ્ર બની ગયો છે. કોઈપણ ભોગે ગામડાઓમાં ઇકો સેન્સિટીવ ઝોન લાગુ ન થાય તેના માટે સ્થાનિકો અને આગેવાનો મક્કમ બની ગયા છે. ત્રણ જિલ્લાના 11 તાલુકાના ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા 196 ગામડાઓમાં એકી સાથે ઇકો ઝોનનો વિરોધ કરતાં સામૂહિક ઠરાવ કરવામાં આવ્યા છે. ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે સરકાર અને સ્થાનિકો આમનેસામને આવી ગયા છે.
આ પણ વાંચો: ગરબા મુદ્દે ગેનીબેન થયા ગરમ, સંઘવીને સણસણતો જવાબ, આપણે પાકિસ્તાન જવાની જરૂર નથી
વિકાસના કામ કે રિનોવેશન કરવું હશે તો પણ મંજૂરી લેવી પડશે
ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ સ્પષ્ટતા કરી છે કે, ભાજપના નેતા કે ઇફકોના ચેરમેન તરીકે નહીં પરંતુ ખેડૂતોના હિત માટેની વાત છે. ઇકો ઝોનનો નિર્ણય સંપૂર્ણ ખોટો છે, ગ્રામ્ય જીવનને ઘમરોળનારો, વિકાસને અવરોધનારો, લોકોને પીડાદાયક, નાના ઉદ્યોગ, ખેડૂત, વેપારી, મજૂર માટે જોખમ વધારનારો છે. ભારતીય કાયદા મુજબ કોઈપણ માણસ દ્વારા જાનમાલ જોખમમાં મુકાય ત્યારે તેના બચાવવામાં ખૂન કરવામાં આવે તો તેને પણ કોર્ટ નિર્દોષ છોડે છે, ત્યારે સિંહ કે અન્ય વન્યપ્રાણી ખેડૂત કે મજૂર પર હુમલો કરે ત્યારે તેનો સામનો કરવા જતાં વન્યપ્રાણીને ઈજા પહોંચાડી બેસે તો તેના પર કાર્યવાહી કરવામાં આવે છે અને લોકોને જેલમાં મોકલવામાં આવે છે. રોઝ, ભુંડના ત્રાસથી ખેડૂતો ત્રાહિમામ થઈ ગયા છે. ગામડાઓમાં લોખંડનું કામ કરતાં કારીગરોને પણ મુશ્કેલી પડશે કેમ કે, લોખંડનું કામ કરે ત્યારે ઘોંઘાટ થાય છે. સ્કૂલ, ગ્રામ પંચાયતનું બિલ્ડીંગ સહિતના અનેક વિકાસના કામ કે રિનોવેશન કરવા હશે તો પણ મંજૂરી લેવી પડશે. જેના લીધે ગામડાઓનો વિકાસ રુંધાઈ જશે.
આવી સ્થિતિના લીધે ઇકો સેન્સિટિવ ઝોન રદ કરી અગાઉના અંગ્રેજો વખતના અને કોંગ્રેસની કેન્દ્ર સરકારે બનાવેલા કાયદાઓમાં પણ સુધારાઓ કરવા જોઈએ. અમારા ગામડાનો અવાજ બુલંદ કરી સરકારના કાને અથડાય તેવી સ્થિતિ ઊભી કરશું, જ્યાં સુધી સરકાર ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે ફેરવિચારણા નહીં કરે ત્યાં સુધી ગામડે-ગામડે આંદોલન કરીશું અને તેનું નેતૃત્વ હું લઈશ તેમ દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : ભાજપના નેતાની બારોબાર નિમણૂકથી વિવાદ, GCCI એ જાતે જ પત્ર લખી નોંધાવ્યો વિરોધ
આંદોલનની રણનીતિ નક્કી કરવામાં આવશે
વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને ખેડૂત નેતા હર્ષદ રિબડીયાએ વન વિભાગને આડે હાથ લીધો હતો. તેમણે ઇકો સેન્સિટિવ ઝોન વિશે પડતી મુશ્કેલીના અનેક દાખલાઓ આપ્યા હતા. જેમાં ઇકો ઝોન વિસ્તારમાં આવતાં રસ્તાનો દાખલો આપ્યો હતો કે જૂનાગઢથી ભેસાણનો રસ્તો 40 કરોડના ખર્ચે બનાવવાનું નક્કી થયું તેમાં વન વિભાગે ત્રણ વર્ષ સુધી કામ થવા ન દીધું અને સરકારે 3 કરોડ રૂપિયા ભર્યા બાદ મંજૂરી મળી.
તેવી જ રીતે ખડીયાથી બિલખા-માણેકવાડા રોડ પણ ઇકો ઝોનના કાયદા હેઠળ રિસર્ફેસિંગ પણ ન કરવા દીધો, ખેડૂતોને વીજ કનેક્શન માટે, બિનખેતી માટે મંજૂરી લેવાની, પીજીવીસીએલએ વીજ પોલ, ટ્રાન્સફોર્મર કે કોઈ ખેડૂતનું કનેક્શન ફેરવવું હશે તો મંજૂરી લેવી પડશે.
કૂવો-બોર કરવો હશે તો મંજૂરી લેવી પડશે, કોઈ વાણિજ્ય એકમ શરુ કરવું હશે તો મંજૂરી લેવાની, વાહનો પણ રાતના ચલાવવા કે નહીં તે પણ વનતંત્ર નક્કી કરશે. આવા અનેક પ્રશ્નોથી ખેડૂતો ત્રસ્ત છે જ. હવે કાયદો લાવી મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસો સાખી લેવામાં આવશે નહીં. ઇકો ઝોનમાં આવતાં તમામ ગામની બેઠકો લઈ આંદોલનની રણનીતિ નક્કી કરવામાં આવશે. કોઈ પણ ભોગે ઇકો સેન્સિટિવ ઝોન લાગુ થવા દેવામાં આવશે નહીં તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતની 'ગોપીઓ' બિન્દાસ ગરબે ઘૂમી શકશે, વાહન ન મળે તો પોલીસ મદદ કરશે
જૂનાગઢ, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લાના ભારતીય કિસાન સંઘના આગેવાનો ઇકો સેન્સિટિવ ઝોન સહિતના ખેડૂતોના અનેક પ્રશ્ને જૂનાગઢ સીસીએફને રૂબરૂ મળ્યા હતા. સીસીએફએ ખેડૂતોને વિવિધ પ્રશ્ન અંગે પડતી મુશ્કેલી મુદ્દે ડીસીએફને સૂચના આપવા કહ્યું હતું. બાદમાં કિસાન સંઘના આગેવાનોએ ખેડૂતોના ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે લડત કરવાની પણ તૈયારી દર્શાવી હતી. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક પ્રવિણ તોગડીયાએ વડાપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે કે, ઇકો સેન્સિટિવ ઝોન અંગેનો નિર્ણય પરત લેવામાં આવે
વન્યજીવપ્રેમીઓને પણ સંઘાણીએ આડેહાથ લીધા
દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, અમુક વન્યપ્રેમીઓ ખોટી રીતે હોહા કરે છે, તેમને કહેવું છે કે આવો અમારા ગીરના બોર્ડર પરના ગામડાઓમાં અને તમારા પર વન્યપ્રાણી હુમલો કરે તો મોત થાય તેવા કિસ્સામાં સરકારની સહાય કરતાં વ્યક્તિગત ડબલ સહાય આપીશ, રહી તો જુઓ ગીરના ગામડાઓમાં, શહેરોના બંગલામાં રહી મોટી-મોટી વાતો કરવાથી કોઈ ફાયદો નથી, ખરા અર્થમાં કાયદા તો માનવ સર્વોપરી છે તે મુજબના હોવા જોઈએ.
196 ગામોનો ઇકો-સેન્સિટિવ ઝોનમાં સમાવેશ
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં જોવા મળતાં એશિયાઈ સિંહ સહિત દેશભરમાં પ્રાણીઓના રક્ષણ અને સંવર્ધન માટે વિવિધ કાયદા અમલી બનાવાયા છે. જે વિશે વધુ માહિતી આપતા વનમંત્રી મુળુભાઈએ જણાવ્યું કે, નવીન ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારમાં કુલ 17 નદીઓના રીવર કોરિડોર અને સિંહોના અવર-જવરવાળા 4 મહત્ત્વના કોરિડોરને આવરી લેવામાં આવશે. વધુમાં ગીર રક્ષિત વિસ્તારની આજુબાજુ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, વિસાવદર, માળીયા હાટીના અને મેંદરડા તાલુકાના મળી કુલ-59 ગામોનો સમાવેશ કરવામાં આવશે. આ સિવાય અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મળી કુલ-72 ગામો તથા ગીર-સોમનાથ જિલ્લાના ઉના, ગીર-સોમનાથ, કોડીનાર અને તાલાલા તાલુકાના મળી કુલ-65 ગામોનો સમાવેશ કરવામાં આવશે. આમ ત્રણેય જિલ્લાના કુલ 196 ગામોના 24,680.32 હેક્ટર વન વિસ્તાર તથા 1,59,785.88 હેક્ટર બિન-જંગલ વિસ્તાર મળીને કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે. આ વિસ્તારનો ઇકો-સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થવાથી આ વિસ્તારમાં વિહરતા સિંહ પરિવારોને વિશેષ રક્ષણની સાથે અત્યાર સુધી ગીર રક્ષિત વિસ્તારની હદથી 10 કિલોમીટરનો ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારની હદમાં આ નવા ઇકો-સેન્સિટિવ ઝોનમાં ઘટાડો થવાથી સ્થાનિકોમાં અન્ય વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે.