વીસીની જોહુકમીનો વિરોધ, આર્ટસમાં અધ્યાપકોએ શિક્ષણ કાર્ય બંધ રાખ્યું
એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના હિન્દી, ગુજરાતી, ઈંગ્લિશ, ઈકોનોમિક્સ સહિતના સાત વિભાગોમાં હંગામી અધ્યાપકોને નિમણૂંકના ઓર્ડર નહીં આપવાની વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવની આડોડાઈ સામે ફેકલ્ટીના તમામ વિભાગોના હેડ અને કાયમી અધ્યાપકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.આ નિર્ણયના વિરોધમાં અધ્યાપકોએ આજે આર્ટસ ફેકલ્ટીમાં શિક્ષણકાર્ય બંધ રાખ્યું હતું.
યુનિવર્સિટીના ઈતિહાસમાં કદાચ પહેલી વખત એવું બન્યું છે કે, ફેકલ્ટીના તમામ કાયમી અધ્યાપકોએ વાઈસ ચાન્સેલરના નિર્ણયના વિરોધમાં બાંયો ચઢાવી હોય.
મળતી વિગતો પ્રમાણે તમામ વિભાગોના હેડ હંગામી અધ્યાપકોના ઓર્ડરો નહીં થતા હોવાથી બે દિવસથી ડીન સમક્ષ રજૂઆત કરી રહ્યા હતા.એ પછી ૧૧ વિભાગોના હંગામી અધ્યાપકોની નિમણૂકના ઓર્ડર વાઈસ ચાન્સેલરે કર્યા હતા પણ સાત વિભાગોના ઓર્ડર રિલિઝ કરવાનો ઈનકાર કર્યો હતો.સૂત્રોનું કહેવું છે કે, ગુરુવારે રાત્રે નવ વાગ્યા સુધી ફેકલ્ટી ડીન અને વાઈસ ચાન્સેલર વચ્ચે બેઠક યોજાઈ હતી.વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવે સાત વિભાગોના ઓર્ડર કરવાની જગ્યાએ ઉલટાનું કહ્યું હતું કે, આ વિભાગોમાં ઈન્ટરવ્યૂ પ્રક્રિયામાં ભૂલો થઈ છે અને આ પ્રક્રિયા પારદર્શી નહોતી.એટલે આ વિભાગોમાં વિઝિટિંગ લેકચરર બોલાવીને ભણાવો.
આજે આ બાબતની જાણકારી મળતા જ તમામ વિભાગોના હેડે એક બેઠક બોલાવીને જ્યાં સુધી બાકીના ઓર્ડર આપવામાં ના આવે ત્યાં સુધી શિક્ષણકાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.ફેકલ્ટીના તમામ કાયમી અધ્યાપકોએ પણ બેઠકમાં આ નિર્ણયનું સમર્થન કર્યું હતું.
-વીસીના પ્રતિનિધિ પણ ઈન્ટરવ્યૂમાં હાજર હતા
બેઠકમાં કેટલાક વિભાગોના હેડે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે, હંગામી અધ્યાપકોના તમામ ઈન્ટરવ્યૂમાં વાઈસ ચાન્સેલરના પ્રતિનિધિ તરીકે જિઓલોજી વિભાગના હેડ પ્રો.અતુલ જોષી હાજર હતા અને તેઓ પણ ઈન્ટરવ્યૂની પ્રક્રિયામાં કશું ખોટું નથી થયું તેવુ કહેતા હોય તો વાઈસ ચાન્સેલરને શું પેટમાં દુખી રહ્યુ ંછે?નિમણૂકના ઓર્ડર નહીં આપવા પાછળ બીજુ તો કારણ જવાબદાર નથી ને?
---વિદ્યાર્થીઓની જેમ અધ્યાપકોને બંધનુ એલાન આપવું પડયું
સામાન્ય રીતે વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાઓનો ઉકેલ ના આવે તો બંધનુ એલાન આપતા હોય છે પણ અત્યારે તો યુનિવર્સિટીમાં એટલી ખરાબ સ્થિતિ સર્જાઈ છે કે, અધ્યાપકોએ પણ વિદ્યાર્થીઓની જેમ શિક્ષણકાર્ય બંધનું એલાન આપવુ પડયુ છે.યુનિવર્સિટીના ઈતિહાસમાં પહેલા ક્યારેય આવુ થયું નથી.
---હંગામી અધ્યાપકોએ તપાસેલી ઉત્તરવહીઓ પર પણ સવાલો ઉઠશે
મળતી વિગતો પ્રમાણે ૩૮ જેટલા હંગામી અધ્યાપકો એવા છે જેમના ઓર્ડર હજી કરાયા નથી.આ અધ્યાપકોને ઓર્ડર મળવાના જ છે તેવુ માનીને ફેકલ્ટી ડીને તેમને પરીક્ષાના પેપરો તપાસવાની અને એડમિશનની કામગીરી પણ છેલ્લા બે મહિનાથી સોંપી હતી.કારણકે તમામ ફેકલ્ટીઓમાં આ પ્રકારની પ્રથા ચાલતી આવે છે. આર્ટસના ઉપરોકત અધ્યાપકો બે મહિનાના પગારથી પણ વંચિત છે.ઉપરાંત તેમણે આર્ટસની પરીક્ષાની ઉત્તરવહીઓ પણ તપાસી છે.જો તેમને ઓર્ડર ના મળે તો ઉત્તરવહી ચકાસણીની કાયદેસરતા સામે પણ સવાલ ઉઠી શકે તેમ છે.ઉપરાંત સપ્ટેમ્બરમાં આર્ટસ ફેકલ્ટી હંગામી અધ્યાપકો વગર પરીક્ષા પણ નહીં લઈ શકે.આમ વાઈસ ચાન્સેલરના તઘલઘી અને તાનાશાહીભર્યા નિર્ણયથી આર્ટસ ફેકલ્ટીના હજારો વિદ્યાર્થીઓનું શિક્ષણ પ્રભાવિત થઈ રહ્યું છે.