700 કરોડની જમીન બિલ્ડરોને 103 કરોડમાં પધરાવાયાનો આક્ષેપ, રાજકોટમાં સ્થાનિકોનો ઉગ્ર દેખાવ
PPP Housing Scheme In Rajkot: રાજકોટમાં પી.પી.પી.આવાસ યોજનાના નામ પર અબજો રૂપિયાની જમીન બજાર ભાવની સાપેક્ષે સાવ નજીવા ભાવે બિલ્ડરોને પધરાવી દેવાઈ છે. હજુ પણ આ સિલસિલો શંકાસ્પદ રીતે મહાપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની મીલીભગતથી જારી છે. ત્યારે જયભીમનગર વિસ્તારમાં આશરે 600થી 700 કરોડ રૂપિયાની કિંમતની જમીન બિલ્ડર જે.પી.સ્ટ્રક્ચર પ્રા.લિ.ને માત્ર 103 કરોડ રૂપિયામાં ફાળવી દેવાની હીલચાલ સામે ઉગ્ર જનાક્રોશ સપાટી પર આવ્યો હતો.
જાણો શું છે સમગ્ર મામલો
રાજકોટના સૌથી પ્રાઈમ લોકેશન એવા કાલાવડ રોડને ટચ નાનામવા રોડ પર ગોલ રેસીડેન્સી સામે આવેલ જયભીમનગરની 56,092 ચો.મી.જમીન પર 400થી વધુ પરિવારો વર્ષોથી રહે છે. આજુબાજુના વિકાસના પગલે આ જમીનના ભાવ આસમાનને આંબી રહ્યા છે. ત્યારે મહાપાલિકાએ ત્યાં ભ્રષ્ટાચારી રીતરસમો અપનાવીને ધરાર પી.પી.પી. આવાસ યોજના માટે રિટેન્ડર બહાર પાડ્યા છે. જેમાં હાઈસ્ટ ઓફર માત્ર 103 કરોડ રૂપિયાની આવવા છતાં તેને રદ કરવાને બદલે હાલ પેન્ડીંગ રાખી છે.
ગરીબોની આ જમીનમાં પ્રજાને 500થી 600 કરોડ રૂપિયાનું નુક્શાન જાય તે રીતે બિલ્ડરને લ્હાણી કરવાનો મહાપાલિકાના ભાજપના શાસકો અને અધિકારીઓએ કારસો કર્યો છે તેમ કહીને અગાઉ રજૂઆતો બાદ ગુરૂવારે (26મી સપ્ટેમ્બર) જયભીમનગરમાંથી કિશોર જાદવ, અમૃત દાફડા, બીપીન શેખવા, પ્રફુલ ચૌહાણ, લલિત દાફડા સહિતના સ્થાનિકોની આગેવાનીમાં સેંકડો લોકો પગપાળા નીકળી પડ્યા હતા અને આશરે 6 કિ.મી.દૂર ઢેબરરોડ પર આવેલ મહાપાલિકાની કચેરીએ સૂત્રોચ્ચારો કરતા પહોંચ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદ રોગચાળાના ભરડામાં, એક જ મહિનામાં ડેન્ગ્યુના 700થી વધુ કેસ નોંધાયા
આત્મવિલોપન ચીમકી ઉચ્ચારાઈ
મોટી સંખ્યામાં લોકોને આવતા જોઈને મનપામાં પોલીસ તહેનાત કરી દેવાઈ હતી અને તમામ દરવાજાઓ બંધ કરી દેવાયા હતા. બાદમાં મ્યુનિ.કમિશનર ડી.પી.દેસાઈ બહાર આવ્યા હતા અને આગેવાનોને પીપીપી યોજના રદ કરવા બાબતે હકારાત્મક કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી. લોકોએ જણાવ્યું કે, 'જો આ જમીન જંત્રી દરથી આપવાની હોય તો તે ભાવ ભરવા પણ અમે તૈયાર છે પરતુ, કોઈ પણ કાળે ગરીબોના કબજાની આ જમીન બિલ્ડરોને મળવા નહીં દઈએ અને મહાપાલિકા ધરાર આ યોજના અમલ કરશે તો આત્મવિલોપન કરીશું તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી.'