વરાછામાં વિરોધ બાદ ઉધનામાં સેવા સેતુની આમંત્રણ પત્રિકામાં વિપક્ષી નેતાનું નામ લખાયું
પંદર વર્ષમાં પહેલીવાર વિપક્ષને પત્રિકામાં સ્થાન
વિપક્ષને લોકોના પ્રશ્નોનો નહીં પોતાનુ નામ નહી છપાતા વિરોધ હતોઃ શાસકોએ નામને સમાવીને વિરોધ ઠંડો પાડી દીધો
સુરત,
સુરત મ્યુનિ.ના વરાછાના સેવા સેતુની આમંત્રણ પત્રિકામાં વિપક્ષી નેતાનુ નામ નહીં લખાતા વિરોધ કરાયો હતો. આ વિરોધ સેવા સેતુના કાર્યક્રમમાં વિવાદ ન થાય તે માટે અખબારી જાહેરાતમાં વિપક્ષી નેતાનું નામ લખી દેતાં વિપક્ષે કોઈ વિરોધ કર્યો ન હતો. ત્યાર બાદ આવતીકાલે ઉધના ઝોનમાં સેવા સેતુનો કાર્યક્રમ છે તેમાં પાલિકા તંત્રએ વિપક્ષી નેતાનું નામ આમંત્રણ પત્રિકામાં સામેલ કરી દીધું છે. છેલ્લા દોઢ દાયકાથી પાલિકાના કોઈ પણ કાર્યક્રમમાં ભાજપ શાસકો વિરોધ પક્ષનું નામ લખતાં નથી.
વરાછાના સેવા સેતુ કાર્યક્રમ પહેલાં વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. વરાછા વિસ્તારના કોઈ કામો થતાં નથી તેથી અને પત્રિકામાં વિપક્ષી નેતાનું નામ નથી તેથી આ કાર્યક્રમમાં પાલિકાના અધિકારી સિવાય બધાનો વિરોધ કરવામા આવશે તેવી ચીમકી આપી હતી. આ ચીમકી બાદ સેવા સેતુના કાર્યક્રમના દિવસે અખબારી જાહેરાતમાં વિપક્ષી નેતાનું નામ લખી દેતાં વિપક્ષે કોઈ પ્રકારનો વિરોધ કર્યો ન હતો. જેથી વિપક્ષનો વિરોધ લોકોની સમસ્યાનો માટે નહીં પંરતુ વિપક્ષનું નામ આમંત્રણ પત્રિકામાં લખાતો નથી તેનો હતો તે જાહેર થઈ ગયું છે.
આમંત્રણમાં વિપક્ષી નેતાનું નામ લખાયા બાદ વિરોધ નહી થતા આવતીકાલે ઉધના ઝોનમાં બે સેવા સેતુના કાર્યક્રમ છે તેની આમંત્રણ પત્રિકામાં પાલિકાએ વિપક્ષી નેતાનું નામનો સમાવેશ કરી દીધો છે. વરાછામાં તો વિપક્ષી કોર્પોરેટર હતા તેથી ત્યાં વિરોધ થાય તેમ હતો જેના કારણે આમંત્રણમાં વિપક્ષી નેતાનું નામ લખીને મનાવી લીધી હતા. પણ ઉધના વિસ્તારના કાર્યક્રમમાં પણ આવું કરાતા વિપક્ષથી શાસકો ડરી ગયા છે કે સેટિંગ કર્યું છે તે ચર્ચાનો વિષય બન્યો છે.