GMERS મેડિકલ કોલેજમાં ફી વધારા મુદ્દે વિરોધ: NSUI કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
Protest by NSUI


NSUI Protest Against Fee Hike: ખાનગી મેડિકલ કોલેજોની ફી સરકારી મેડિકલ કોલેજો જેટલી જ રાખવામાં આવશે એવી જાહેરાત બે વર્ષ અગાઉ સામે સરકારે ઊલટો નિર્ણય કરીને જીએમઈઆરએસ સેમી ગવર્નમેન્ટ કોલેજની ફીમાં એકાએક 50 ટકાથી વધુના ઝીકાયેલા ભાવ વધારા સામે આંદોલન શરૂ કરાયું છે. એનએસયુઆઈ (NSUI) ના કાર્યકર્તાઓ દ્વારા ફી મુદ્દે કોલેજના ડીન રજુઆત કરી હતી અને ડીન ઉપર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. સમગ્ર ઘટના બાદ પોલીસ કાફલો કોલેજમાં દોડી આવ્યો હતો. 10થી વધુ એનએસયુઆઈ (NSUI) ના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. 

જેમાં પ્રાથમિક તબક્કે જીએમઈઆરએસના ડિરેક્ટરને આવેદન પત્ર આજે સુપ્રત કરવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાતના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે અન્ય રાજ્યમાં જવું ન પડે તે માટે સરકારે 2010માં 13 જિલ્લામાં એમબીબીએસ અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે જીએમઈઆરએસ મેડિકલ કોલેજો શરૂ કરી છે. ત્યારે ગત 28મી જૂને 13 મેડિકલ કોલેજોમાં રાતોરાત ફી વધારી દેવામાં આવી છે, તો આ ફી વધારો તાત્કાલિક ધોરણે પરત ખેંચી લેવામાં નહીં આવે તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે ખાનગી મેડિકલ કોલેજોની ફી સરકારી મેડિકલ કોલેજ જેટલી જ કરવાની કેન્દ્ર સરકાર દ્વારા બે વર્ષ અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે ખાનગી મેડિકલ કોલેજની 50 ટકા સીટ પર સરકારી મેડિકલ કોલેજ જેટલી જ ફી રાખવામાં આવશે. અંદાજિત બે વર્ષ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ ખાનગી મેડિકલ કોલેજોની ફી સરકારી મેડિકલ કોલેજોની કરવાના બદલે રાજ્ય સરકાર દ્વારા એકાએક ઉલટો નિર્ણય લેવાયો છે. 

જીએમઈઆરએસ સેમિ ગવર્મેન્ટ કોલેજની ફીમાં એકાએક 50 ટકાથી વધુનો વધારો જીતી દેવાયો છે. જોકે થોડા દિવસ અગાઉ જ સરકારે એક મોટો નિર્ણય જાહેર કર્યો હતો કે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને આ અંગેનો લાભ મળશે રાજ્ય સરકારે ખાનગી કોલેજમાં અડધી સીટો પર સરકારી મેડિકલ કોલેજો જેટલી જ ફી લેવાશે તેવું નક્કી કર્યું હોવાનું કહેવાય છે. 

આ અંગે એનએસયુઆઈ દ્વારા આ ફી વધારાને વખોડી કાઢવામાં આવ્યો છે અને ગરીબ તથા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સ્વપ્ન રોળાઈ જશે તેવો આક્ષેપ કર્યો છે બે વર્ષ અગાઉ કેન્દ્ર સરકારે કરેલી જાહેરાતનું સુરસુરિયું થઈ ગયું છે તેને બદલે ઉપરવટ જઈને રાજ્ય સરકારે ઊલટો નિર્ણય કરી દીધાનો આક્ષેપ કર્યો છે. શહેર એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલાએ આ અંગે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે ખાનગી મેડિકલ કોલેજોની ફી સરકારી મેડિકલ કોલેજ જેટલી જ કરવાની જાહેરાત કરી હતી પરંતુ વિદ્યાર્થીઓને કે પછી સંગઠનોને એવી ક્યાં ખબર હતી કે સરકારી મેડિકલ કોલેજોની જ ફી સરકાર વધારી દઈને ખાનગી મેડિકલ કોલેજોની ફી જેટલી જ કરી દઈને ઊંધો કાન પકડાવશે. 

આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં જે મેડિકલ કોર્સની ફી અગાઉ 3.30 લાખ રૂપિયા હતી તેના બદલે હવે તેમાં વધારો કરીને 5.50 લાખ ફી કરી દેવાઇ છે. વિદ્યાર્થીઓની ફી 9.75 લાખથી વધારીને 17 લાખ કરી દેવાઇ હોવાનું પણ આવેદનપત્રમાં જણાવ્યું છે. આવેદનપત્ર સુપ્રત કરતી વખતે સંગઠનના વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચાર કર્યો હતો. ફી વધારો તાત્કાલિક ધોરણે પરત ખેંચવા આવેદનપત્રમાં જણાવ્યું છે. અન્યથા ઉગ્ર આંદોલન કરતાં પણ સંગઠન અચકાશે નહીં.

GMERS મેડિકલ કોલેજમાં ફી વધારા મુદ્દે વિરોધ:  NSUI કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત 2 - image


Google NewsGoogle News