જમીન સંપાદન કે વળતર આપ્યા વગર પાદરા-જંબુસર રોડને ફોર લેન કરવાનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ
પાદરા નજીક જીઇબી પાસે, ડભાસારોડ અને હવે વડુના ખેડૂતોએ વિરોધ કરી રોડનું કામ અટકાવી દીધું
પાદરા તા.૫ પાદરા જંબુસર રોડ પર આવેલ વડુ ગામ નજીકના ખેડૂતોએ રોડની કામગીરીનો હલ્લા બોલ કરી વિરોધ કર્યો હતો. ખેડૂતોને જમીનનું વળતર કે જમીન સંપાદન કરવામાં નહીં આવી હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરી રોડની કામગીરીને અટકાવી હતી. જેના પગલે આર એન્ડ બી ખાતાના અધિકારીઓ તેમજ પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
પાદરા જંબુસર હાઇવેને ફોર લેન કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે ત્યારે વધુ એક વિવાદ વડુ ગામ નજીક થયો હતો. વડુ ગામ નજીકના ખેડૂતોને જમીનનું કોઈ વળતર આપવામાં આવ્યું નથી કે જમીન સંપાદન કરવામાં ન આવતા આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ નહી આવતા આજે ખેડૂતોએ વિરોધ સાથે કામ અટકાવી દીધું હતું.
ઉલ્લેખનીય છે કે અગાઉ પાદરા જંબુસર રોડ પર આવેલ પાદરા નજીક જીઇબી પાસે અને ત્યાર બાદ ડભાસા રોડ પર અને આજે વડું ગામ નજીકના ખેડૂતોએ રોડની કામગીરીનો વિરોધ દર્શાવ્યો હતો.
વડુના ખેડૂત પ્રતાપસિંહ પઢિયારે જણાવ્યું હતું કે પાદરા જંબુસર રોડની કામગીરીનો કોઈ વિરોધ નથી, જમીન સંપાદન કરીને કામ કરો. દેશ આઝાદ થયો ત્યારથી એક પણ રૃપિયાનું વળતર ચૂકવાયું નથી સાત બારના ઉતારામાં કે માપણી સીટમાં એક પણ ગુંઠાનું સંપાદન જણાતું નથી.