વડોદરામાં હાલોલ ટોલનાકાના પર ચક્કાજામ : ટોલ ટેક્ષનો ટ્રાન્સપોર્ટરો દ્વારા બહિષ્કાર, પોલીસે વિરોધ કરનારાને હટાવ્યા
Vadoadra : વડોદરા શહેરના ટ્રાન્સપોર્ટરો ભેગા થઈને વડોદરા હાલોલ રોડ પર આજે ટેક્સ ભરવાના મુદ્દે બહિષ્કાર કર્યો છે. સીએમ સુધી રજૂઆત કરવા છતાં કોઈ જ પગલાં નહીં લેવાયા હોવાથી વધુ જલદ કાર્યક્રમની ચીમકી પણ ઉચ્ચારી છે. આજે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ગોલ્ડન ચોકડી પાસેના ટોલ બુથ પર રસ્તા રોકો આંદોલન કર્યું હતું પરંતુ પોલીસે સ્થળ પર આવી તેઓને હટાવી દઈ વાહન વ્યવહાર પુનઃ શરૂ કર્યો હતો.
અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન, બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન તથા ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના નેજા હેઠળ વડોદરા હાલોલ, અડાલજ મહેસાણા ટોલ રોડ બહિષ્કારનું એલાન કરવામાં આવ્યું હતું તે મુજબ આજે સવારે બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ બી.પી.વાઘેલાની આગેવાની હેઠળ તમામ ટ્રાન્સપોર્ટરોએ ગોલ્ડન ચોકડી પર એકઠા થઈ બહિષ્કાર કર્યો હતો.
ટ્રાન્સપોર્ટરોના જણાવ્યા અનુસાર રોડ બન્યા ને 20 વર્ષ થઈ ગયા છે અને જે રૂપિયાનો ખર્ચ થયો છે તેના કરતાં વધારે એટલે કે 29.22 કરોડ રૂપિયા ટેક્સ દ્વારા વસુલાત કરવામાં આવી છે. તેમ છતાં હજુ 2024 સુધી રોડ ટેક્સ વસૂલવા માટેની માગ કરી હોવાથી ટ્રાન્સપોર્ટરો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ કોઈ જ પગલાં નહીં લેવાયા હોવાથી આખરે બહિષ્કારનો માર્ગ અપનાવ્યો હતો. હજુ કોઈ પગલા નહિ લેવાય તો જલદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેમ ટ્રાન્સપોર્ટરોએ જણાવ્યું હતું.