જુનીગઢીમાં સ્કૂલની મિલકતને મદ્રેસામાં તબદિલ કરવા સામે વિરોધ
જુનીગઢીનો અશાંતધારા કાયદા હેઠળ વિસ્તારમાં સમાવેશ, સ્કૂલની આસપાસ હિંદુઓની વસતિ છે
વડોદરા, તા.4 જુનીગઢી વિસ્તારમાં આવેલી એક શાળાની મિલકતમાં મદ્રેસા બનવાની હિલચાલ સામે સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. હિન્દુ વિસ્તારમાં અશાંતધારાની મંજૂરીનો પણ ભંગ થતો હોય તેમ લાગતાં આ અંગે કાર્યવાહીની પણ માંગણી કરવામાં આવી છે.
જુનીગઢીના નાગરિકોએ કલેક્ટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા શિક્ષણાધિકારી તેમજ ચેરિટિ કમિશનરને આવેદનપત્ર આપી જણાવ્યું છે કે ભદ્રકચેરીરોડ પર શ્રી સાર્વજનિક વિદ્યાલય નામથી એક શાળા તેમજ તેના મેદાનની જગ્યા સાર્વજનિક ટ્રસ્ટની માલિકીની આવેલી છે. સાર્વજનિક વિદ્યાલયની જગ્યાના વિસ્તારને અશાંતધારાની જોગવાઇઓ લાગુ પડે છે. મિલકત વેચાણ, બક્ષિસથી કે ભાડેથી અન્ય કોઇ રીતે માલિકી હક્ક તબદીલ કરવો તે અશાંતધારાના કાયદા હેઠળ ગુનો બને છે.
શ્રી સાર્વજનિક વિદ્યાલયમાં અગાઉ પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગની સ્કૂલ ચાલુ હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી સંખ્યાના અભાવે સ્કૂલ બંધ થઇ ગઇ છે. આ સ્કૂલની માલિકીની મિલકત જે ટ્રસ્ટની છે તે ચેરિટિ કમિશનરની પરવાનગી સિવાય તબદીલ ના કરી શકાય તેવી કાયદાકીય જોગવાઇ છે. નાગરીરિએ જણાવ્યું છે કે શ્રી સાર્વજનિક વિદ્યાલયની જગ્યા તેના ટ્રસ્ટીઓ વિધર્મીઓને ધાર્મિક મદ્રેસા તરીકે તબદીલ કરવા માંગે છે, જે માટેની પ્રાથમિક તૈયારીના ભાગે મિલકતનું રિનોવેશન તેમજ કલરકામ ચાલી રહ્યું છે.
આ વિદ્યાલયની જગ્યાને અડીને મહાદેવનું મંદિર છે તેમજ ખુલ્લી જગ્યા છે, કેટલાંક વિધર્મી સંગઠનો દ્વારા આ મિલકત રાખવાનો પ્રયાસ થઇ રહ્યો છે અને તેઓનો ઇરાદો મદ્રેસા બનાવવાનો છે. વિદ્યાલયની આસપાસની જગ્યામાં હિન્દુઓની વસતિ છે તેમજ આ સ્થળે મદ્રેસા કે શાળાકિય સંકુલ બને તો વિસ્તારમાં કોમી અશાંતિ ફેલાય તેવી સંભાવના છે. જેથી આ પ્રકારની કોઇ પ્રવૃત્તિ થતી હોય તો તેને અટકાવવી જરૃરી છે.