પેટલાદમાં રેલ રોકો આંદોલન: લાંબા સમય સુધી બંધ રહેતી ફાટકના વિરોધમાં આખું ગામ ઉમટ્યું
Protest Against Railway Gate In Petlad : આણંદ જિલ્લાના પેટલાદના નૂર તલવાડી ગામામંથી રેલવે લાઈન પસાર થાય છે. પરંતુ વારંવાર ફાટક બંધ રહેતી હોવાથી લોકોને બારે હાલાકી પડે છે. આટલુ ઓછું હતું તેમ ફાટક ખોલવા અંગે રેલવે વિભાગે લીધેલા નવા નિર્ણયથી લોકોનો રોષ ભભુકી ઉઠ્યો છે. રેલવે વિભાગની મનસૂફી સામે ગામની મહિલાઓ સહિત સ્થાનિકોએ ટ્રેનના પાટા પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું. અને ખંભાતથી આવતી ટ્રેનને રોકી વિરોધ વ્યક્ત કર્યો જેના કારણે ટ્રેનમાં સવાર મુસાફરો પરેશાન થયા.
ફાટક ખુલ્લી રાખવાની માગ
આણંદથી ટ્રેન પરત ફરે પછી ફાટક ખોલવાના રેલવે વિભાગના નિર્ણયને લઈને નૂર તલાવડીના રહીશોએ વિરોધ કર્યો. સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, વારંવાર લાંબા સમય સુધી રેલવે ફાટક બંધ રાખવામાં આવે છે. જેથી શાળાઓ જતા બાળકો, કામદારો અને બિમાર વ્યક્તિને ભારે મુશ્કેલી પડી રહી છે.
આ પણ વાંચો : અસલામત સવારી: ચાલુ એસટી બસનું ટાયર નીકળી ગયું, મુસાફરોના જીવ થઈ ગયા અધ્ધર
વિરોધ કરી રહેલા લોકોએ ફાટકના ગેટ કિપરને પણ રજૂઆત કરી હતી, તો ગેટ કિપરે જણાવ્યું કે, 'સાહેબે કહ્યું છે કે, ખંભાતથી ટ્રેન પેટલાદ અને પેટલાદથી પાછી જાય ત્યારે જ ફાટક ખોલવો'. પરંતુ આ મનસ્વી નિર્ણયના કારણે સ્થાનિકોની સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ હેરાન છે. કેમ કે હાલ પરીક્ષા ચાલી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓને બે કિલોમીટર સુધી ચાલીને જવુ પડે છે. લોકોનો દાવો છે કે, ગામમાં બે દર્દીઓ સિરિયસ છે જો એમને કાંઈ થશે તો એની જવાબદારી કોણ લેશે? રેલવે વિભાગ તેનો લેખિતમાં જવાબ આપે તેવી માગ સ્થાનિકોએ કરી છે.
આ પણ વાંચો : દિવાળી તો માદરે વતનમાં જ: સુરત રેલવે સ્ટેશન પર વતન જવા પરપ્રાંતિયોની લાગી લાઈનો
ટ્રેન રોકતા મુસાફરો મુશ્કેલીમાં
સ્થાનિકો દ્વારા ટ્રેન રોકવામાં આવતા 1500થી વધુ યાત્રિકોને તેની અસર થઈ હતી. આંદોલનના પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.