પોરડાનો કેમિકલ નિકાલ પ્લાન્ટની હિલચાલ સામે વિરોધ, આંદોલનની ચિમકી
- સ્થાનિક લોકોએ મામલતદારને રજૂઆત કરી
- ગ્રામ પંચાયતે બાંધકામની મંજૂરી નહીં આપવાનો ઠરાવ કર્યો છતાં કંપનીએ કામગીરી શરૂ કરતા લોકો રસ્તા ઉપર ઉતર્યાં
સુરેન્દ્રનગર : દસાડા તાલુકાના પોરડા ગામની સીમમાં ખાનગી કંપની દ્વારા કેમિકલ વેસ્ટના નિકાલ માટે પ્લાન્ટ નાંખવાની હિલચાલ શરૂ કરવામાં આવતા ગ્રામજનો અને ખેડૂતોએ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. ગ્રામજનો અને ખેડૂતોએે ઉગ્ર વિરોધ સાથે પાટડી મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી અને આ પ્લાન્ટનો પ્રોજેક્ટ રદ્દ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.
દસાડા તાલુકા પોરડા ગામની ખેતીની જમીનના સર્વે નંબર ૬૫,૬૬,૭૯,૮૦ અને ૮૧ની જમીનમાં ખાનગી કંપની 'રીયલ એન્વાયરમેન્ટ એન્ટરપ્રાઈઝ' દ્વારા કેમિકલ વેસ્ટના નિકાલ માટે એક પ્લાન્ટ નાંખવાની તૈયારીના ભાગરૂપે હાલ જેસીબી મશીન દ્વારા સફાઈની કામગીરી ચાલી રહી છે. આ કંપની દ્વારા વર્ષ ૨૦૨૨માં પબ્લીક હિયરીંગ માટે સુનાવણી રાખવામાં આવી હતી. ત્યારે કંપની દ્વારા કોઈ પણ આગેવાન કે ખેડૂતને જાણ કરવામાં આવી નહોતી. તે સમયે ખેડૂતોએ સતર્કતા દાખવી ત્યાં હાજર રહી પ્લાન્ટનો તેમજ સુનાવણીનો વિરોધ કર્યો હતો. ત્યારે તાજેતરમાં ગત તા.૧૧ ડિસેમ્બરના રોજ કંપની દ્વારા આ પ્લાન્ટના બાંધકામ માટે પોરડા ગ્રામ પંચાયત પાસે લેખિત મંજૂરી માંગી હતી.
ગ્રામ પંચાયત દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી છે જેમાં બાંધકામની પરવાનગી ન આપવાનો ઠરાવ કર્યો હતો. તેમ છતાં કંપની દ્વારા હાલ જેસીબીની મદદથી પ્લાન્ટની જગ્યા પર સફાઈ કામગીરી ચાલી રહી છે. જેના વિરોધમાં ખેડૂતો અને આગેવાનોએ મામલતદારને લેખિત રજૂઆત કરી હતી. આ અંગે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ જો કંપની દ્વારા કેમિકલ વેસ્ટના નિકાલ માટેનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે તો પોરડા સહિત આસપાસના વિસ્તારના ખેડૂતોની ખેતીલાયક જમીનને નુકસાન થશે તેમજ જમીન ફળદ્રુપતા ગુમાવી બેસશે. આ ઉપરાંત ગ્રામજનો તેમજ પશુ-પક્ષીઓના સ્વાસ્થયને પણ આ પ્લાન્ટ દ્વારા નુકસાન થવાની દહેશત સેવાઈ રહી છે. ત્યારે લોકોના હિતને ધ્યાને લઈ કેમિકલ વેસ્ટના નિકાલના પ્લાન્ટના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં ન આવે અને સંપૂર્ણ રીતે આ પ્રોજેક્ટ રદ્દ કરવામાં આવે તેવી માંગ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને યોગ્ય ઉકેલ નહીંં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.