વડતાલ મંદિરનું મેનેજમેન્ટ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલું હોવાના હરિભક્તોના આરોપથી ખળભળાટ
Protest Against Lustful Monks in Nadiad: વડતાલ સંપ્રદાયના લંપટ સાધુઓ સામે હરિભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુરુવારે (27મી જૂન) સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા 12 જેટલા મુદ્દાઓને ટાંકીને અંદાજીત 400થી વધુ હરિભક્તોએ રેલી કાઢીને નડિયાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. તેમજ ધૂન બોલીને ઉગ્ર વિરોધ કર્યો હતો.
જિલ્લા કલેક્ટરને સંબોધીને અપાયેલા આવેદનપત્રમાં રજૂઆત કરવામા આવી હતી કે, 'અમે તમામ હરિભક્તો વડતાલ સંપ્રદાયના છીએ. સ્વામિનારાયણ સંપ્રદાયને પોતાનું બંધારણ છે અને તે અનુસાર વર્તવા સંપ્રદાયના ત્યાગી સાધુઓ, પાર્ષદો, ગૃહસ્થ હરિભક્તો સહિતના તમામ બંધાયેલા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ ભાગવતી દિક્ષા અંગીકાર કરેલી છે. સાધુઓ ભગવા વસ્ત્રો માત્ર પહેરે છે. પરંતુ સ્થાપેલા સિદ્ધાંતો મુજબ વર્તન કરતા નથી. સાધુએ પોતે દ્રવ્યનો સંગ્રહ કરવો કે બીજા પાસે કરાવવો નહીં તેવી આજ્ઞા હોવા છતાં ખાનગી સંસ્થાઓ ગુરુકુળો બનાવી સંપતિ એકઠી કરે છે.'
અસામાજીક કૃત્યો કરનાર સાધુ સામે કાયદેસરની કાર્યવાહી માગ
સંપ્રદાયના મોટા વર્ગને ભોળવીને છેતરપિંડી કરતા હોવાના આક્ષેપો આવેદનપત્રમાં કર્યા હતા. આ આવેદનપત્રમાં આક્ષેપો કર્યા હતા કે, 'મહિલાઓ સાથે બોલવું નહીં, મહિલાઓનું મુખ જવું નહીં, તેમના વસ્ત્રને અડવું નહીં તેવી આજ્ઞા હોવા છતાં કેટલાક ભગવા વસ્ત્રની આડમાં દુષ્કર્મ આચરી અસામાજિક, ચારિત્ર્યહીન પ્રવૃત્તિ કરે છે. કાયદા મુજબ સગીર જે પોતે કરાર કરવા માટે સમજ ધરાવતા નથી. તેને દિક્ષા આપીને કેવી રીતે સાધુ બનાવી શકાય તેવા વેધક સવાલ પુછ્યા હતા. છતાં સગીર બાળકોને શિક્ષણના કહેવાતા ગુરુકુળોમાં લલચાવીને લાવી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરે છે'
આ પણ વાંચો: લંપટ સાધુઓ: ગિફ્ટના બહાને યુવતી પર આચર્યું દુષ્કર્મ, ત્રણ સામે ફરિયાદ; હરિભક્તોમાં ભારે આક્રોશ
પોલીસે ખોટી ફરિયાદ કરી છે: હરિભક્તો
400થી વધુ હરિભક્તએ નડિયાદ શહેરમાં એક કિ.મી.ની રેલી યોજી હતી. ત્યારબાદ કલેક્ટર કચેરીએ પહોંચી ધૂન બોલાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'અમે રજૂઆત કરવા જઈએ તો અમારા ઉપર ખોટી પોલીસ ફરિયાદ કરી છે. જેથી આ સંદર્ભે અમે ચરોત્તરના વડતાલ સંપ્રદાયની 400થી વધુ હરિભક્તો ભેગા થયા છીએ અને રજૂઆત કરી છે.'
સાધુના નામના બેનરો
આ સમગ્ર મામલે હરિભક્તોએ નૌતમસ્વામી સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. અગાઉ નૌતમસ્વામી અનેક બાબતોમાં વિવાદોમાં આવતા હરિભક્તોમાં તેમના પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. હરિભક્તોએ પોતાના હાથમા બેનરો લઈ ઊભા હતા, જેમાં નૌતમ લખ્યા બાદ તેની પાછળ સ્ટીકર મારી દઈને સ્વામી શબ્દ છુપાવી દીધો હતો. તેમજ નૌતમને ભગાવો, સંપ્રદાયનું બંધારણ બચાવો તેવું વાક્ય લખ્યું હતું.