હજીરા-ગોથાણ રેલવે ટ્રેક માટે જમીન માપણીનો મલગામા ગામમાં પણ વિરોધ

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
હજીરા-ગોથાણ રેલવે ટ્રેક માટે જમીન માપણીનો મલગામા ગામમાં પણ વિરોધ 1 - image


- ખેડુતોએ માપણી માટે અસંમતિ દર્શાવતા દામકા, ઇચ્છાપોર બાદ મલગામામાંથી પણ માપણી વગર પરત ફરવુ પડયુ

                સુરત

ગોથાણ-હજીરા વચ્ચે રેલ્વે જમીન સંપાદનને લઇને ચાલી રહેલી માપણીના વિરોધમાં દામકા, ઇચ્છાપોર બાદ આજે મલગામામાં માપણી અટકાવીને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધુ હતુ કે અમારો માપણીનો વિરોધ નથી.પરંતુ પહેલા એકવાર અમારા ખેડુત ખાતેદાર સાથે બેઠક કરીને જમીન સંપાદન અંગે માહિતી આપે.આમ કહીને વિરોધ કરતા ટીમે માપણી વગર પરત ફરવુ પડયુ હતુ.

હજીરાથી ગોથાણ સુધીના નવા ટ્રેક માટે જાહેરનામુ બહાર પાડયા બાદ આ જમીનો સંપાદન કરતા પહેલા માપણી કરવી જરૃરી હોવાથી ખેડુત ખાતેદારોને નોટીસ આપીને ગામે ગામ માપણી કરાઇ હતી. પરંતુ બધા જ ગામોમાંથી વિરોધ થતા પરત ફરવુ પડયુ છે. ગત દિવસોમાં દામકા, ઇચ્છાપોર બાદ આજે મલગામા ગામમાં માપણી માટે રેલ્વે અને માપણી અધિકારીની ટીમ ગામે પહોંચી હતી. ત્યાં હાજર ખેડુતોએ ભારે વિરોેધ કર્યો હતો.

અધિકારી અને ખેડુતો સાથેની બેઠકોમાં ખેડુતોએ સ્પષ્ટપણે જણાવી દીધુ હતુકે જમીન સંપાદન માટે અત્યાર સુધી રેલ્વે ખાતાના કોઇ અધિકારી કે પ્રતિનિધિએ ખેડુત સાથે બેઠક કે ચર્ચા કરી નથી. માપણીનો ખેડુતોનો વિરોધ નથી. પરંતુ પહેલા એકવાર અધિકારીઓ અમારા ખેડુત ખાતેદાર સાથે જે જે જમીન સંપાદન થનાર છે. તે જમીન અંગે માહિતી આપે.પછી જ માપણી કરવા દઇશુ. ખેડુતોના વિરોધ અને અસંમતિ દર્શાવતા મલગામા ગામમાંથી પણ માપણી વગર પરત ફરવુ પડયુ હતુ.

મલગામા ગ્રામપંચાયતે ઠરાવ કર્યો, હાલના રેલવે ટ્રેકની બાજુમાં જ નવી લાઇન સ્થાપો તો વાંધો નથી

મલગામા ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરાયો છે કે હાલમાં જે રેલ્વે લાઇન છે.તેની બાજુમાંથી જો નવી રેલ્વે લાઇન કરો તો ખેડુતોને કોઇ વાંધો નથી. હાલની જંત્રીના જે દર છે. તેના ચાર ગણી રકમ ખેડુતોને ચૂકવો. રેલ્વે માટે જે જમીન જનાર છે. તેમાં જુની અને નવી રેલ્વે લાઇન વચ્ચેની જમીન અમોને કોઇ કામની નથી. તો જમીનનો આખો નંબર જ જમીન સંપાદનમાં લેવાનો રહેશે.

 


Google NewsGoogle News