વડોદરા શિક્ષણ સમિતિના શિક્ષકોના પગારમાંથી ઇન્કમટેક્સની રકમ આડેધડ કપાત થતા વિરોધ
Vadodara Education Committee : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિના શિક્ષકોના પગારમાંથી આડેધડ ઇન્કમટેક્સની રકમ કપાત કરી લેવામાં આવતા આજે શિક્ષકોએ દેખાવો કરી ખોટી રીતે કપાત થયેલી રકમ પરત મેળવવા શિક્ષણ સમિતિના અધ્યક્ષ નીશિધ દેસાઈ સમક્ષ રજૂઆત કરી હતી.
વડોદરાની શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા શિક્ષકોના પગારમાંથી છેલ્લા ત્રણ ચાર મહિનાથી દર મહિને 15 થી 20,000 જેટલી રકમનો ઇન્કમટેક્સ આડેધડ કાપી લેવામાં આવતા શિક્ષકોમાં રોષ ફેલાયો હતો. આ રકમ કાપી લેવાને કારણે શિક્ષકોના બેંકોના હપ્તા હોય કે બાળકોની ફી ભરવાના પ્રશ્ન ઉપસ્થિત થયા હતા અને પગારથી 5,000 જ હાથમાં આવતો હતો. આજે શિક્ષણ સમિતિના શિક્ષક સંઘના અગ્રણી પિનાકીન પટેલની આગેવાનીમાં શિક્ષકોએ શિક્ષણ સમિતિની કચેરી બહાર દેખાવો કર્યા હતા અને માંગણી કરી હતી કે ખોટી રીતે ઇન્કમટેક્સની રકમ કપાત કરવાને લીધે આર્થિક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ અંગે શિક્ષણ સમિતિના અધ્યક્ષએ ખોટી રીતે ઇન્કમટેક્સની રકમની કપાત થઈ હશે તેની તપાસ કરી તમામ શિક્ષકોને નાણા પરત કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.