Get The App

મહી નદી ઉપર 10 મીટર ઊંચા આડબંધનું કામ શરૂ કરાતા વિરોધ

Updated: Jan 19th, 2025

GS TEAM


Google News
Google News
મહી નદી ઉપર 10 મીટર ઊંચા આડબંધનું કામ શરૂ કરાતા વિરોધ 1 - image


- વડોદરા તરફથી કામ શરૂ થતા કચવાટ શરૂ

- આણંદ અને ખેડાના 4 ગામોમાં પૂરના પાણી ઘૂસવાનો ભય : અગાઉ મુખ્યમંત્રીને પણ જાણ કરાઈ હતી

આણંદ : આણંદના લાલપુરા (સુંદલપુરા) અને સાવલીના પોઈચા (કનોડા) વચ્ચે મહી નદી પર ૧૦ મીટર ઉંચો આડબંધ બનાવવાનું કામ વડોદરા તરફથી શરૂ થયું છે. ત્યારે આણંદ અને ખેડાના લાલપુરા, સુંદલપુરા, જેસાપુરા, મીઠાપુરા સહિતના નીચા કિનારા ધરાવતા ગામોમાં ચોમાસામાં પૂરના પાણી પેસી જવાની ભીતિ ગ્રામજનોને સેવાઈ રહી છે. આ અંગે ખાતરી કરવા ગ્રામજનો દ્વારા અગાઉ પણ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. 

રજૂઆતમાં જણાવ્યું હતું કે, આડબંધના કારણે વધારે ગામોને લાભ મળે તે માટે પૂર્વ દિશામાં સ્થળ બદલવા માંગ કરી હતી. જમીન સંપાદન વગર મુખ્યમંત્રીના હસ્તે સાવલીના કનાડા ગામે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સરદાર સરોવરે ડીઝાઈન કરી છે, તેમાં લખ્યું છે કે સીડીઓ દ્વારા તેનું રિવ્યૂ કરવું પરંતુ તે આજદીન સુધી થયું ન હોવાના આક્ષેપ લગાવ્યા હતા. ચોમાસા દરમિયાન હોનારત ન સર્જાય તેની લેખિત બાહેંધરી આપ્યા બાદ કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.   સુંદરપુરાના સરપંચ વિનય ઝાલાએ જણાવ્યું હતું કે, હજૂ જમીન સંપાદન કરાઈ નથી, માત્ર બેઠક યોજાઈ હતી. આ કામગીરી સિવાય હાલ આડબંધનું કામ શરૂ કરી દેવાતા તેનો વિરોધ કરીએ છીએ. હાલ ૧૫ લાખ ક્યુસેક પાણીમાં સુંદલપુરા સહિતના ગામોમાં પાણી ઘૂસી જતાં ટાપુ બની જાય છે, આડબંધ બનતા ચોમાસામાં હજારો પરિવાર પર આફત આવે તેવી સ્થિતિ સર્જાય તેમ છે. અસરગ્રસ્ત ગામો દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરાશે. 

Tags :