ભરૂચ હાઇવે પર ટોલટેક્સના વિરોધમાં સ્થાનિક ટ્રાંસપોર્ટ સંચાલકોએ કર્યો ચક્કાજામ, અધિકારીઓ દોડતા થયા
Protest against Toll Tax : ભરૂચમાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા મૂલડ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસેથી ટોલ વસુલવા આવતો હોવાની ફરિયાદ બાદ પણ કોઇપણ રકારની કાર્યવાહી કરવામાં ન આવતાં બુધવારે સ્થાનિક ટ્રાંસપોર્ટવાળાઓએ આક્રમક વલણ બતાવતાં હાઇવે પર જામ કર્યો હતો. જેના લીધે વાહનોની લાંબી લાઇનો લાગી હતી.
ભરૂચ નર્મદા નદી પર જ્યારે ટોલ વસૂલવાની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી. પરંતુ ફાસ્ટટેગ સિસ્ટમ લાગૂ થયા બાદ ભરૂચના સ્થાનિક વાહનોના ટોલ ઓટોમેટિક કપાઇ જતા હતા. જેથી ભરૂચના સ્થાનિક વાહનો માટ અલગથી લેન તૈયાર કરવામાં આવી હતી, પરંતુ સમય જતાં આ લેનમાં પણ ફાસ્ટટેગ સિસ્ટમ એક્ટિવ કરી દેવામાં આવતાં ફરીથી સ્થાનિક વાહનોનો ટોલ કપાવવા લાગ્યો હતો. જેથી સ્થાનિક વાહન ચાલકોએ હોબાળો મચાવતાં ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
પરંતુ હજુ સુધી ટોલ ટેક્સનો ઉકેલાયો ન હતો. ભરૂચ જિલ્લાની અલગ-અલગ કંપનીઓમાં કામ કરતા મજૂરો અને કામદારોના લઇ જવા લાવવા માટે ઉપયોગમાં લેવાતી લક્ઝરી બસો પાસેથી ટેક્સ વસૂલવામાં આવતો હોવાથી બુધવારે સ્થાનિક ટ્રાંસપોર્ટ સંચાલકો પોતાની લકઝરી મુલડ ટોલ પ્લાઝા પર ખડકી દીધી હતી. જેના લીધે વાહનોની લાંબી લાઇનો લાગી ગઇ હતી. વિરોધ અને ટ્રાફીક જામની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ટોલ અધિકારીઓ દોડી આવ્યા હતા અને મામલો શાંત પાડવા માટે મથામણ કરી હતી.