Get The App

દ્વારકા દર્શન કરી પરત ફરી રહેલી કારને અકસ્માત નડતા ભાવિ દંપતીનાં મોત

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
દ્વારકા દર્શન કરી પરત ફરી રહેલી  કારને અકસ્માત નડતા ભાવિ દંપતીનાં મોત 1 - image


પ્રભુતામાં પગલાં પાડે તે પહેલાં બન્ને અનંતની વાટે ઉપડી ગયા : કલ્યાણપુર નજીક ભારે ધુમ્મસના કારણે કારના સ્ટીયરિંગ પર કાબૂ ગૂમાવી દેતાં થાંભલા સાથે અથડાઈ, અન્ય બેને ગંભીર ઈજા

જામ ખંભાળિયા, : કહેવાય છે કે વિધિના લખેલા લેખ કદી મિથ્યા થતાં જ નથી. શુક્રવારના રોજ કલ્યાણપુર નજીક એવી ઘટના બની હતી કે ભલભલાના હૃદયને આઘાત પહોંચાડી દે..જેમાં તાજેતરમાં જ શ્રીફળ વિધિ સાથે સગાઈના તાંતણે બંધાયેલા એક યુગલ અને એમના બે સગાઓ દ્વારકા દર્શનાર્થે ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે કલ્યાણપુરના લીંબડી  ગામ પાસે ઓવરબ્રિજ ઉતરતા જ પૂલના છેડે ખોડીયાર માતાજીના મંદિર પાસે ભારે ધુમ્મસના કારણેે કાર પરનો કાબૂ ગૂમાવી દેતા આ કાર બેકાબૂ બનીને પુલની બાજુમાં આવેલા એક લોખંડના થાંભલા સાથે ધડાકાભેર અથડાતાં પલટી મારી ગઈ હતી. જેમાં લગ્નોત્સુક યુવક અને કન્યાના મોત નીપજ્યા હતા અને એમની સાથેના બે સગાઓને ગંભીર ઈજાઓ થતાં સારવારમાં ખસેડયા છે.

ખંભાળિયા દ્વારકા ધોરીમાર્ગ પર લીંબડી ગામ નજીક ગઈકાલે એક કાર નો અકસ્માત થતા આ કારમાં જઈ રહેલી ઉપલેટા પંથકની યુવતી તેમજ ગોંડલના યુવાનના કરૂણ મોત નિપજયા હતા.આ કરૂણ બનાવની વિગત એવી છે કે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં રહેતા હર્ષભાઈ દિલીપભાઈ સોજીત્રા નામના યુવાન  અને ઉપલેટાના નાગવદરના છાયાબેન ગોપાલભાઈ ગજેરાની તાજેતરમાં જ  શ્રીફળ વિધિ સગાઈ થઈ હતી. એ પછી આ બન્ને અને એમના બે સગાઓ કાર લઈને દ્વારકા દર્શનાર્થે ગયા હતા.

અને ત્યાંથી પરત ફરતી વેળા એમની માથે જાણે કે કાળ ભમતો હોય એમ  ભારે ધુમ્મસભર્યા વાતાવરણમાં ઝીરો વિઝિલિબિલિટી વચ્ચે ત્યારે ખંભાળિયા દ્વારકા રોડ પર કલ્યાણપુર થી આશરે 26 કિલોમીટર દૂર લીમડી ગામ નજીક કારના ચાલક હર્ષભાઈએ કારના સ્ટીયરિંગ પર કાબૂ ગૂમાવી દીધો હતો. અને કાર બેકાબૂ બની ગઈ હતી જેથી  કારને કન્ટ્રોલ કરવા તેણે એકાએક બ્રેક મારી હતી પણ કાર પુલની બાજુમાં રહેલા એક લોખંડના પોલ સાથે અથડાઈ હતી અને એ પછી    કાર પલટી ખાઈ જતાચાલક હર્ષભાઈ સોજીત્રા તેમજ તેમની સાથે જઈ રહેલા ઉપલેટા તાલુકાના નાગવદર ગામે રહેતા છાયાબેનને ગંભીર ઈજાઓ થતા આ બંનેના કરૂણ મૃત્યુ નીપજયા હતા.જ્યારે અકસ્માતમાં કારમાં બેઠેલા  હેવનભાઈ રોહિતભાઈ વસોયા તથા આવૃતિબેન હેવનભાઈ વસોયાને ઇજા થતા સારવાર માટે ખસેડાયા હતા. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત એવા જામનગરમાં રઘુવીર પાર્ક વિસ્તારમાં રહેતા હેવનભાઈ રોહિતભાઈ વસોયા (ઉ.વ. 24) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.


Google NewsGoogle News